PNB કૌભાંડના માસ્ટર માઈન્ડ અને ભાગેડુ ડાયમંડ કીંગ નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. તેને વેસ્ટમિંસ્ટરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મોદી ત્યાં જામીન માટે અરજી કરી શકે છે. ધરપકડ બાદ આશા છે કે તેને ભારતને સોંપી દેવામાં આવશે.
આ પૂર્વે લંડનની કોર્ટે નીરવ મોદીની ધરપકડ કરવાનો વોરંટ ઈશ્યુ કર્યો હતો. ત્યાર બાદ અપેક્ષા હતી કે ગમે ત્યારે નીરવ મોદીની ધરપકડ કરી લેવામાં આવશે.ઈડીની કાર્યવાહીના કારણે લંડનની કોર્ટે નીરવ મોદી વિરુદ્વ ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યો હતો. તાજેતરમાં જ નીરવ મોદીને લંડનમાં જોવામાં આવ્યો પણ હતો અને તેનો શોપીંગ કરતો વીડિયો પણ વાયરલ થયો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે તપાસ એજન્સીઓને વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ દ્વારા ધરપકડ વોરંટને લઈ સૂચના આપવામાં આવી હતી. થોડાંક જ દિવસ પહેલાં વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યો હતો. નીરવ મોદીની ધરપકડ બાદ તેને જામીન માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ તેને ભારતને સોંપી દેવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.
ભાગેડુ ડાયમંડ કીંગ નીરવ મોદીને લંડનના રસ્તાઓ પર જોવાનો દાવો બ્રિટીશ ન્યૂઝ પેપર ધ ટેલિગ્રાફે કર્યો હતો. આટલું જ નહીં પણ રિપોર્ટમાં કહેવાયું હતું કે લંડનમાં નીરવ મોદી પોતાનો કારોબાર પણ ચલાવી રહ્યો છે. 13 હજાર કરોડ રૂપિયાના કૌભાંડમાં નીરવ મોદી સંડોવાયેલો છે.
નીરવ મોદી આવી રીતે ખુલ્લેઆમ લંડનના રોડ પર ફરી રહ્યો હોવા અંગે વિપક્ષ કોંગ્રેસ દ્વારા પીએમ મોદી પર રાજકીય વાકપ્રહાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે કહ્યું હતું કે હજારો કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને વૈભવી લાઈફ સ્ટાઈલ માણવાનું માત્ર મોદીના શાસનમાં જ સંભવ છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટવિટ કરીને કહ્યું હતું કે 23 હજાર કરોડ રૂપિયાની લૂંટ ચલાવી દેશમાં ભાગી જઈ વિદેશમાં હાઈપ્રોફાઈલ લાઈફ સ્ટાઈલ જીવી રહેલા નીરવ મોદીને સરકાર પકડી શકી નથી. કરોડોનું કૌભાંડ કરો, પછી દેશમાંથી ભાગી જાઓ, વડાપ્રધાન સાથે ફોટો પડાવો અને લંડનમાં 73 કરોડ રૂપિયાના વૈભવી બંગલામાં જીવન ગુજારો. પુછો તો હું કોણ છું, હું નાનો મોદી છું.