રાજકોટ પાસે આવેલા ઔદ્યોગિક વિસ્તાર શાપર-વેરાવળમાં ગૌમાંસનો કારોબાર પોલીસે પકડી પાડ્યો છે. બાતમીના આધારે ગૌરક્ષકો અને પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ૧૫૦ કિલો ગૌવંશના માંસ સાથે રાજકોટના ચાર શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ, શાપર-વેરાવળમાં શીતળા માતાના મંદિર નજીક બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે ગૌમાંસનું વેચાણ થતું હોવાની બાતમી ગૌરક્ષકના પ્રમુખ કાનજીભાઇ ચૌહાણને મળી હતી. આથી તેમણે શાપર-વેરાવળ પોલીસ મથકમાં જાણ કરતા પી.એસ.આઈ. એ.એ. ખોખર સહિતના સ્ટાફ સાથે શાપરમાં દરોડો પાડ્યો. જ્યાં ”વસીલા મટન” નામે ઓરડીની બહાર ઓટા ઉપર ગેરકાયદે ગૌવંશનું માસનું વેચાણ થતું હતું.
પોલીસે રાજકોટ રૈયા રોડ, હનુમાન મઢી પાસે રંગ ઉપવન સોસાયટીમા રહેતા બસીર હુશેનભાઇ શેખ, હુશેન બચુભાઇ શેખ, તથા બીજા થડામાંથી સદરબજાર ખાટકીવાડના આસીફ અબ્બાસભાઇ બેલીમ અને મુનાફ હાજીભાઇ શેખને ૧૫૦ કિલો ગૌવંશના માસ સાથે પકડી લીધા હતા. આ ચારેય વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરાઈ છે. અગાઉ પણ આ જ સ્થળે ગૌરક્ષકો અને પોલીસે દરોડો પાડયો હતો.