Murshidabad Violence: ભાજપે TMCને ઘેર્યું, આરોપ – ‘હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા’
Murshidabad Violence પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસા હવે રાજકીય વલણ લેતી જાય છે. વક્ફ કાયદાના વિરોધ દરમિયાન થયેલી હિંસાની તપાસ માટે કલકત્તા હાઈકોર્ટ દ્વારા નિમાયેલ ત્રણ સભ્યોની સમિતિએ અહેવાલ સુપરત કર્યા બાદ ભાજપે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર ગંભીર આરોપ લગાવ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ બુધવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં કહ્યું કે હિંસા એક કાવતરાના ભાગરૂપે હતી જેમાં હિન્દુ સમુદાયને જાણી જોઈને લક્ષ્ય બનાવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, “TMCના સ્થાનિક નેતાઓની સંડોવણી ધરાવતો અહેવાલ ચોંકાવનારો છે. 11 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે કાઉન્સિલર મહેબૂબ આલમના નિર્દેશ પર હિંસા શરૂ થઈ હતી. પોલીસ અને વહીવટ તંત્ર આ દરમ્યાન નિષ્ક્રિય રહ્યું હતું.”
અહેવાલ અનુસાર, હિંસા દરમિયાન 113 હિન્દુ પરિવારોના ઘરો તોડી પાડવામાં આવ્યા, લોકોએ સ્થળાંતર કરવું પડ્યું અને પોલીસના અભાવમાં તેઓ સુરક્ષિત રહેવા માટે અન્ય ગામડાઓ તરફ ભાગ્યા. ઘટનાને લઇને સ્થાનિક લોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે.
ત્રિવેદીએ તૃણમૂલ સરકાર પર તીખો હુમલો કરતા કહ્યું કે, “TMC અને ‘ધર્મનિરપેક્ષ’ પાર્ટીઓ હંમેશાં વ્યક્તિગત અધિકારોની વાત કરે છે, પરંતુ જ્યારે હિન્દુઓને નિશાન બનાવવામાં આવે ત્યારે તેઓ ચુપ્પી સાધી લે છે. એ લોકો જે આતંકવાદીઓ વિરુદ્ધ તો બોલે છે, પણ હિન્દુ સમુદાય પર થતા હુમલાઓ પર ચિતાં પણ કરતા નથી.”
મમતા બેનર્જી પર સીધો આરોપ મુકતા તેમણે પ્રશ્ન કર્યો કે, “તેમનું હૃદય ક્યારે પિગળશે? શું તેઓ પોતાના જ નેતાઓ સામે કાર્યવાહી કરશે કે હંમેશા હિંસાને ઢાંકવાનો પ્રયાસ જ કરે?”
આ મામલો લોકસભા ચુંટણીના માહોલ વચ્ચે વધુ ગરમાયો છે અને ભાજપે એ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે TMCની ધાર્મિક મતબેંકની રાજનીતિ રાજ્યની શાંતિ માટે ખતરાકારક બની રહી છે.