વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૯મી એપ્રિલે બાબા કેદારનાથ ધામના કપાટ ખૂલવાની સાથે જ બાબા કેદારનાથનાં દર્શન કરનાર પ્રથમ શ્રદ્ધાળુ હશે. મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત દ્વારા વડા પ્રધાનના કેદારનાથ પ્રવાસ અંગે સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૬.૦૦ વાગ્યે કેદારનાથ પહોંચી જશે અને ૬.૫૫ કલાકે તેઓ બાબા કેદારનાથનું પૂજા અર્ચન કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રદાન આદિત્યનાથ યોગી સહિત ભાજપ શાસિત રાજ્યોના કેટલાય મુખ્યપ્રધાનો કેદારનાથ પહોંચશે અને મોદી સાથે બાબાનાં દર્શન કરશે. ઉત્તરાખંડ સરકારે આ તમામ મુખ્યપ્રધાનોને કેદારનાથ આવવા આમંત્રણ પત્રો મોકલી આપ્યાં છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાબા કેદારનાથ પ્રત્યે અથાગ શ્રદ્ધા ધરાવે છે. કેદારપૂરીનો જિર્ણોદ્ધાર તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ પર મહદઅંશે કાર્ય પૂર્ણ થઈ ગયું છે. એટલે સુધી કે કેદારનાથ ધામની ગાથા દર્શાવતો લેઝર શો વડા પ્રધાનની પ્રેરણા બાદ યોજવામાં આવી રહ્યો છે.રાજ્ય સરકારની ઈચ્છા છે કે નવા કલેવરમાં ભવ્ય કેદારપુરી વડા પ્રધાનના હસ્તે જ જનતાને સમર્પિત કરવામાં આવે. આ માટે સરકાર તરફથી તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે.