-મૂળ અમરેલીથી સુરત આવેલા અને હાલ નવસારીમાં ફરજ બજાવતા હતાં
-સિનિયર અધિકારીઓના માનસિક ત્રાસના કારણે આ પગલું ભર્યાનું પ્રાથમિક તારણ
નર્મદા ડેમ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવેલા નવસારીનાં પીએસઆઈ એન.સી.ફીનવીયાએ કપાળેપિસ્ટલ મુકી આપઘાત કરી લીધો હતો. મૂળ અમરેલી જિલ્લાના વતની ફીનવીયા વરાછાના હીરાબાગ ખાતે આવેલી શાંતિનગર સોસાયટીમાં સી-101 નંબરના મકાનમાં પરિવાર સાથે રહેતા હતાં. નવસારી ખાતે નોકરી ટ્રાન્સફર થતાં હાલ તેઓ પરિવાર સાથે ત્યાં રહેતા હતાં. પીએસઆઈએ વેપન સાથે ફોટો પાડવવો છે તેમ કહી સાથી પીએસઆઇ કોંકણી પાસેથી સર્વિસ પિસ્ટલ માગી હતી. ત્યારબાદ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાનું કારણ ઉપરી અધિકારીઓનાં માનસિક ત્રાસને માનવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે આ ત્રીજી ઘટના છે જ્યારે પોલીસ સબ ઈન્સપેક્ટરે સર્વિસ વેપનથી આત્મહત્યા કર્યાની ઘટના બની છે. અગાઉ વડોદરા અને અમદાવાદના સબ ઈન્સપેક્ટરે પણ આજ રીતે વેપનથી આત્મહત્યા કરી હતી.
નર્મદાના નીરના વધામણા કરવા કેવડિયા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીવીઆઈપી બંદોબસ્તમાં આવેલા નવસારીના પોલીસ સબ ઈન્સપેક્ટર 29 વર્ષીય એન સી ફીનવીયાએ સાથી સબ ઈન્સપેક્ટરની સર્વિસ પિસ્ટલ લઈ પોતાના લમણામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ થતાંજ સિનિયર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આત્મહત્યાની આ ઘટના કેવડિયાના વીવીઆઈપી સર્કિટ હાઉસના પહેલા માળે બની હતી. જ્યાં ગુજરાતના મંત્રી મંડળના સભ્યો અને સિનિયર આઈએએસ આઈપીએસ અધિકારીઓને રાખવામાં આવ્યા હતા. નવસારીમાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સપેક્ટર એન સી ફીનવીયા નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તે દરમિયાન તેમની સામે ખાતાકીય તપાસ શરૂ થતાં તેમને ફરજ મોકુફ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં તેમને ફરજ પર પાછા લેવાનો આદેશ થયો હતો. જોકે તેમને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા હતા. સુરતમાં ફીનવીયાનો પરિવાર રહે છે. દીકરી જુનિયર કેજીમાં અભ્યાસ કરે છે.
આમ બની ઘટના
પોલીસની બ્લ્યૂ બુક પ્રમાણે વીવીઆઈપી બંદોબસ્તમાં વીઆઈપીની નજીક ફરજ બજાવતા યુનિફોર્મમાં રહેલા પોલીસ અધિકારીઓ હથિયાર રાખી શક્તા નથી. જેથી ફીનવીયા પાસે હથિયાર ન હતું. બ્લ્યૂ બુક પ્રમાણે ખાનગી કપડામાં રહેલા પોલીસ અધિકારીઓને કન્સિવ વેપન રાખવાનું હોય છે. જેનો અર્થ અધિકારી પાસે હથિયાર છે તે કોઈ જોઈ શકે નહીં તે રીતે હથિયાર રાખવાનું હોય છે. નવસારીના અન્ય પોલીસ સબ ઈન્સપેક્ટર એમ બી કોંકણી ખાનગી કપડામાં બંદોબસ્તમાં હતા. તેમની પાસે કન્સિવ વેપન હતું. પીએસઆઈ ફીનવીયાએ મારે વેપન સાથે ફોટો પાડવો છે તેવું કહી કોંકણી પાસે તેમની સર્વિસ પિસ્ટલ માંગી હતી અને પિસ્ટલ હાથમાં આવતા તેમણે બે આંખોના ઉપરના ભાગે કપાળમાં પિસ્ટલ ગોઠવી ટ્રીગર દબાવી દીધું હતું. સાથે રહેલા પોલીસ કર્મીઓ કાંઈ સમજે તે પહેલા પોઈન્ટ બ્લેન્કથી થયેલા ફાયરિંગના કારણે ફીનવીયાની ખોપરીના ફૂરચા ઉડી ગયા હતાં.