ગુરુવારે જમ્મૂ-કાશ્મીરના પુલવામા ખાતે આત્મઘાતી હુમલામાં 49 જવાનોએ શહીદી વ્હોરી લીધી. જઘન્ય અને બર્બરતાપુર્વકના હુમલાની સમગ્ર વિશ્વમાં આલોચના સહિત તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે. ભારત દેશમાં મુસ્લિમોએ પણ પોતાની રીતે સ્વંભૂ આકરી પ્રતિક્રીયા આપી છે સમૂળગી રીતે મુસ્લિમ સમાજે પણ આતંકી હુમલા અને આતંકવાદીઓને આકરી સજા કરવાની માંગ સુધ્ધા કરી છે. છતાં પણ મુસ્લિમ પ્રત્યે ચોક્કસ પ્રકારે વૈમન્સયતાનો માહોલ જન્મી રહ્યો હોવાનું લાગી રહ્યું છે.
કેટલીક જગ્યાએ મુસ્લિમ વિસ્તારોમાંથી પસાર થતી વખતે જાણી જોઈને ઈરાદાપૂર્વક ઉશ્કરેણીજનક હરકતો કરવામાં આવી રહી છે. અમદાવાદના જૂહાપુરામાં શુક્રવારે રસ્તા પર નીકળેલા ટોળાએ મુસ્લિમ મહિલાઓને જોઈને જાણે આ મહિલાઓ પાકિસ્તાની હોય તેમ તેમની સમક્ષ એલફેલ ભાષાનો ઉપયોગ કર્યો અને મુસ્લિમ મહિલાઓને ટારગેટ કરવામાં આવી. આવા કિસ્સાઓ ખૂણે-ખાંચરે બનતા જ હોય છે પરંતુ બહાર આવતા નથી. બીજી ઘટના અમદાવાદના શાહપુરામાં ગઈ રાત્રે બની. મસ્જિદ પાસે એકત્ર થયેલા ટોળા દ્વારા એકબીજા પર દોષારોપણ કરવામાં આવ્યું અને પળવારમાં કોમી છમકલું થઈ ગયું. પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી.
પુલવામાની ઘટના અત્યંત નિંદનીય છે. મુસલમાનોને પૂછો તો તેમના મોંમાથી એક જ શબ્દ નીકળશે કે આ તો હદ થઈ. આતંકવાદીઓને સબક શિખવાડવાનો સમય આવી ગયો છે. પુલવામા ટેરર અટેક બાદ દેશમાં કોમ્યુનલ ટેન્શનમાં વધારો થયો છે. લોકોમાં દહેશત છે કે હવે શું થશે. મુસ્લિમ સમાજે દેશપ્રેમ છતો કરવા જરાય પાછીપાની કરી નથી. મુસ્લિમો રાષ્ટ્રીય પ્રવાહથી દુર રહે છે તે વાતનો મુસ્લિમોએ છેડ ઉડાડી દીધો છે. આજે પણ મુસ્લિમ સમાજને ચોક્કસ પ્રકારની ક્ષીર્ણ-વિક્ષીર્ણ માનસિકતા ધરાવતા લોકો દ્વારા બિન ભારતીય હોવાનું સાબિત કરવાની હોડ ચાલે છે. આવા લોકો કોના ઈશારે આવા કામ કરે છે તે કળવું મુશ્કેલ નથી. કેટલાક બુદ્વિજીવીઓએ પણ આવા અણી અને સંવેદનાના સમયે બુદ્વિનું દેવાળું ફૂંકી મુસ્લિમ સમાજને ભાંડવામાં કશું બાકી રાખ્યું નથી. પંગુ માનસિકતા ધરાવતા લોકો આવા કપરા સમયમાં એકતા સાથે દુશ્મન સાથે બાથ ભીડવાની વાત કરવાના બદલે ભાંડણલીલા આચરી રહ્યા છે. આ બધી બાબતો દેશહિત અને હાલના સમયમાં જરાય ઔચિત્યરૂપ નથી જ નથી.
દેશ એક કારમી અને ભીષણ વિપદામાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે માત્ર અને માત્ર મુસ્લિમ સમાજ પ્રત્યે ધૃણાસ્પદ વાતાવરણ ઉભૂં કરી રાજકીય આકાઓને ખુશ રાખવાના આવા પ્રકારના પ્રયાસોને આખરે તો બાલિશ જ ગણવાના રહે છે. પુલાવામાં અટેકમાં મુસ્લિમ સમાજે પણ માને છે કે અમે અમારા વહાલસોયા જવાનોને ગુમાવ્યા છે ત્યારે વેર-વૈમન્સયતાની ભાવનાને જ અગ્રીમતા આપવાના થઈ રહેલા પ્રયાસો પણ પુલવામા અટેક જેટલા જ વખોડવાપત્ર છે.
મુસ્લિમો પણ રાષ્ટ્રવાદી છે. આ દેશમાં જ રહે છે અને રહેશે. મુસ્લિમોને અળગા કરી સવાયા રાષ્ટ્રવાદી બનવાની હરીફાઈ આખરે તો દેશહિતની વિરુદ્વની જ બની રહેવાની છે. દેશહિતમાં તમામ ધર્મ, જાતિ અને સમાજને લઈને જ આતંકવાદનો સામનો કરવાની ઘડી છે, નહીં કે તારું-મારું કરવાનો અવસર છે.