જમ્મૂ-કાશ્મીર ઓથોરિટીએ રવિવારે કાશ્મીરના પાંચ અલગાવવાદી નેતાઓના સરુક્ષા કવચને પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો. પુલવામા અટેક બાદ કાશ્મીરના વહીવટી તંત્રે આ નિર્ણય કર્યો હતો.
જેમના સુરક્ષા કવચને પાછો ખેંચવામાં આવ્યો છે તેમાં અલગાવવાદી નેતા મીર વાઈઝ ઉંમર ફારુક, પ્રોફેસર અબ્દુલ ગની બટ્ટ, બિલાલ લોન, હાશીમ કુરૈશી અને શબ્બીર અહેમદનો સમાવેશ થાય છે.
જમ્મૂ કાશ્મીરના તંત્રે અલગાવવાદી નેતાઓને ગનમેન, કાર સહિતની સુવિધા આપી હતી. આ તમામ સુવિધા અને સુરક્ષા તાબડતોડ પાછી ખેંચવામાં આવી છે. પાકિસ્તાનથી નાણાકીય સહાય મેળવનારા નેતાઓની યાદી બનાવવામાં આવી રહી છે અને તે અંગે તપાસ કરવાની ગૃહમંત્રી રાજનાથસિંહે કાશ્મીરની મુલાકાત વખતે જણાવ્યું હતું.
હાલ શબ્બીર શાહ દિલ્હીની જેલમાં બંધ છે. એનઆઈએ દ્વારા 26 જુલાઈ-2017માં ગેરકાયદે ફંડ મેળવવા મામલે ધરપકડ કરવામાં આવી હતી. શાહના નિવાસની ફરતે સિક્યોરિટી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેને આજે સાંજથી દુર કરી દેવામાં આવી છે.
જ્યારે અન્ય અલગાવવાદી નેતા સઈદ અલી ગિલાની અને યાસીન મલિકને રાજ્ય સરકારે કોઈ પ્રોટેક્શન આપ્યું ન હતું.