સોમવારે અર્થશાસ્ત્રે સર્વશ્રેષ્ઠ પ્રદાન બદલ નોબલ એવોર્ડની જાહેરાત થવાની છે ત્યારે આ નોબલ એવોર્ડ જીતવા માટે પ્રબળ દાવેદારોની યાદીમાં આરબીઆઈના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજનનું નામ પણ સામેલ છે. ક્લેરીવેટ એનાલિટીક્સે અર્થસાસ્ત્રનો નોબલ એવોર્ડ જીતવા માટે સંભવિત ઉમેદવારોની એક યાદી જાહેર કરી છે. જેમાં રઘુરામ રાજનનો પણ સમાવેશ કરાયો છે. ક્લેરીવેટ એનાલિટીક્સ એક એકેડેમિક અને સાયન્ટિફીક રીસર્ચ કંપની છે જે પોતાના રીસર્ચના આધારે નોબલ એવોર્ડના સંભવિત વિજેતાની યાદી બનાવે છે. તેણે અર્થશાસ્ત્રનો નોબલ એવોર્ડ જીતવા માટે સક્ષમ પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
જેમાં રઘુરામ રાજનના નામનો પણ સમાવેશ થયો છે. રઘુરામ રાજન આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર સાથે જોડાયેલ દુનિયાના સૌથી મોટા નામો પૈકીનું એક નામ છે.૨૦૦૫માં માત્ર ૪૦ વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ મની ફાઉન્ડેશનના ચીફ બનવામાં સફળ રહેલ રઘુરામ રાજને પોતાની આગવી સુઝબુઝથી અર્થતંત્રને લગતી અનેક સમસ્યાને ઉકેલી છે. રાજન દુનિયામાં એવા એકમાત્ર અર્થશાસ્ત્રી હતા કે જેમણે વર્ષ ૨૦૦૮ની વૈશ્વિક મંદીનુ સચોટ અનુમાન કર્યુ હતું. જેની સમગ્ર દુનિયામાં મજાક ઉડાવવામાં આવી હતી, જોકે તેમની આગાહીના ૩ વર્ષ બાદ દુનિયા ભયંકર વૈશ્વિક મંદીની ઝપેટમાં આવી ગઈ હતી. ત્યારબાદ ખૂદ અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ રઘુરામ રાજનને દુનિયાના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી તરીકે સંબોધી તેમનુ સમ્માન કર્યુ હતું.