Rahul Gandhi: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા અને આ દરમિયાન તેમણે પોતાના હાથમાં બંધારણની કોપી પકડી હતી. રાહુલ ગાંધીએ અંગ્રેજી ભાષામાં શપથ લીધા. શપથ બાદ તેમણે ‘જય હિંદ, જય સંવિધાન’ના નારા પણ લગાવ્યા હતા. આ વખતે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલી લોકસભા સીટ પરથી ચૂંટાયા છે. આ પહેલા તેઓ લોકસભામાં કેરળના વાયનાડ અને ઉત્તર પ્રદેશના અમેઠીનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
જ્યારે રાહુલ ગાંધીનું નામ શપથ માટે બોલાવવામાં આવ્યું
ત્યારે કોંગ્રેસના સભ્યો પોતપોતાની જગ્યાએ ઉભા થઈ ગયા અને ‘જોડો જોડો, ભારત જોડો’ના નારા લગાવવા લાગ્યા. તેમણે શપથ લીધા બાદ પણ કોંગ્રેસના સભ્યોએ ‘જોડો જોડો, ભારત જોડો’ના નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ વર્ષ 2022માં ‘ભારત જોડો યાત્રા’ અને આ વર્ષની શરૂઆતમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કાઢી હતી.
શપથ લીધા બાદ રાહુલ ગાંધીએ જય હિંદ, જય સંવિધાનના નારા લગાવ્યા હતા.
શપથ લીધા બાદ તેઓ નીચે આવવા લાગ્યા પરંતુ ફરી તેઓ સ્પીકરને મળવા ગયા. આ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ પોતપોતાની જગ્યાએ ઉભા રહીને ‘જોડો જોડો, ભારત જોડો’ના નારા લગાવ્યા હતા. આ વખતે રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ એમ બે બેઠકો પરથી લોકસભા ચૂંટણી જીત્યા હતા, પરંતુ તેમણે વાયનાડથી રાજીનામું આપ્યું હતું. હવે તેઓ રાયબરેલીના સાંસદ છે.
રાહુલ ગાંધી બાદ અમેઠીના સાંસદ કિશોરી લાલ શર્માનું નામ શપથ લેવા માટે બોલાવવામાં આવ્યું હતું.
કિશોરી લાલ શપથ લેવા આવ્યા ત્યારે તેમના હાથમાં બંધારણની નકલ પણ હતી. આ વખતે લોકસભા ચૂંટણીમાં અમેઠી સીટને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આ ચૂંટણીમાં કિશોરી લાલે ભાજપની સ્મૃતિ ઈરાનીને હરાવ્યા છે.