મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર દ્વારા અઝાન આપવાનો વિવાદ સતત વધી રહ્યો છે અને આ દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ બાળ ઠાકરેનો એક જૂનો વીડિયો શેર કર્યો છે, જેમાં બાળાસાહેબ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની વાત કરી રહ્યા છે.
રાજ ઠાકરેએ બાળ ઠાકરેનો એક જૂનો વીડિયો શેર કરીને શિવસેના પર નિશાન સાધ્યું છે. વીડિયોમાં બાળ ઠાકરે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની વાત કરી રહ્યા છે અને તેમણે કહ્યું હતું કે જો અમારી સરકાર આવશે તો અમે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવીશું.
લાઉડસ્પીકર પર અજાનના વિરોધમાં મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સહિત અનેક જિલ્લાઓમાં લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાનો મામલો સામે આવ્યો છે. અગાઉ, MNS વડા રાજ ઠાકરેએ એક ખુલ્લો પત્ર જારી કર્યો હતો અને લોકોને બુધવારે જ્યાં પણ લાઉડસ્પીકર પર ‘અઝાન’ સંભળાય ત્યાં લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવા વિનંતી કરી હતી. પત્રમાં તેણે લોકોને અઝાનનો અવાજ સાંભળીને 100 ડાયલ કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવવા પણ કહ્યું હતું. આ પછી જ સાવચેતીના ભાગરૂપે પોલીસે નોટિસ જાહેર કરી હતી.
જણાવી દઈએ કે મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેને મંગળવારે સાંજે CrPCની કલમ 149 હેઠળ કોઈપણ વિવાદને રોકવા માટે નોટિસ પાઠવી હતી. જો કે, MNS કાર્યકર્તાઓ પર પોલીસ નોટિસની પણ કોઈ અસર થઈ નથી અને ઘણા વિસ્તારોમાં લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાનો કિસ્સો સામે આવ્યો છે. આ પછી, મુંબઈ પોલીસે કાર્યવાહીના ભાગરૂપે ઘણા MNS કાર્યકરોની અટકાયત કરી છે.
— Raj Thackeray (@RajThackeray) May 4, 2022
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ ગયા મહિને લાઉડસ્પીકર અંગે અલ્ટીમેટમ આપ્યું હતું અને 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનું કહ્યું હતું. આ સાથે તેણે એમ પણ કહ્યું હતું કે જો લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો તે પોતાની મરજીથી તેનો સામનો કરશે અને તે જ જવાબ આપતા મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ કરશે.