રાજસ્થાનના ભીલવાડામાં મંગળવારે ભીલ સમાજના લોકોએ ગૌરજ્યા માતાની સ્થાપના માટે લવરી લોકનૃત્ય કર્યું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ નૃત્યમાં ભાગ લેતા કલાકારોનો સમૂહ 150 લોકો છે. તેમાં ભાગ લેનારા માટે ઘણા કડક નિયમો હોય છે. જે લોકો ગવરી નૃત્ય કરે છે તે લોકો 40 દિવસ સુધી સ્નાન કરતા નથી.
આ ઉપરાંત તેઓ શાકભાજી, માંસ અને દારૂનો ત્યાગ કરીને દિવસમાં માત્ર એકવાર જ જમે છે. સવા મહિના સુધી ઘરને બદલે મંદિરમાં રહે છે અને જમીન પર જ સૂવે છે. એટલું જ નહીં પણ કલાકારોને બ્રહ્મચર્યનું પાલન પણ કરવું પડે છે. આ નૃત્યમાં માત્ર પુરુષો જ ભાગ લઈ શકે છે. જેમાંથી અમુક લોકોએ મહિલાનો વેશ ધારણ કર્યો હોય છે. 40 દિવસ પછી માતાને શાહી સવારીની સાથે પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે.
ગવરી નૃત્યના આયોજક વજેરામ ગમેતીએ કહ્યું કે, ગૌરજ્યા માતા પાર્વતીની બહેન છે. મેવાડમાં અલગ-અલગ જગ્યાએ ગવરી ખેલનું આયોજન કરવામાં આવે છે. આ આયોજન 40 દિવસ સુધી ચાલે છે. અહીંના લોકોની માન્યતા છે કે, ગૌરજ્યા માતા શ્રદ્ધાળુઓને સંકટથી દૂર રાખે છે. સાથે જ ઝઘડા અને દુઃખથી પણ મુક્તિ મળે છે.