નવી દિલ્હી: નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી) નું ક્ષેત્રફળ 173 સરહદ અને દરિયાકાંઠાના જિલ્લામાં વિસ્તૃત કરવાના પ્રસ્તાવને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મંજૂરી આપી છે, જે અંતર્ગત એક લાખ નવા કેડેટની ભરતી કરવામાં આવશે. 16 ઓગસ્ટ, રવિવારે એક સત્તાવાર નિવેદનના માધ્યમથી આ માહિતી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોતાના સંબોધનમાં એનસીસીના વિસ્તરણની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે એનસીસીને દરિયાકાંઠા અને સરહદ જિલ્લામાં વિસ્તૃત કરવામાં આવશે જે આ વિસ્તારોને આપત્તિ સામે લડવા માટે પ્રશિક્ષિત યુવાનો સાથે સાથે સશસ્ત્ર દળોમાં રોજગાર માટે યુવાનોને જરૂરી કુશળતા વિકસાવશે.
સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સિંહે “વિશાળ વિસ્તરણ યોજનાઓ” માટેની એનસીસીની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એનસીસી શરૂ કરવામાં આવશે તેવા દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં એક હજારથી વધુ શાળાઓ અને કોલેજોની ઓળખ કરવામાં આવી છે. નિવેદનમાં જણાવ્યા અનુસાર, 173 કાંઠાળ અને સરહદી જિલ્લાના કુલ એક લાખ કેડેટને એનસીસીમાં દાખલ કરવામાં આવશે, જેમાંથી એક તૃતીયાંશ છોકરીઓ હશે. મંત્રાલયે જણાવ્યું હતું કે વિસ્તરણ યોજનાના ભાગ રૂપે, દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં કેડેટ્સને તાલીમ આપવા માટે એનસીસીનાs 83 એકમો (સેનાના, 53, નૌકાદળના 20, વાયુસેનાના 10) અપડેટ કરવામાં આવશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સેના સરહદી વિસ્તારોમાં સ્થિત એનસીસીના એકમોને વહીવટી સહાય પ્રદાન કરવા માટે કામ કરશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં, નૌકાદળ આ કાર્ય હાથ ધરશે અને એરફોર્સ પર રહેશે કે તેઓ એરફોર્સ સ્ટેશનની નજીક સ્થિત એનસીસી એકમોને મદદ કરશે. મંત્રાલયે કહ્યું કે એનસીસીના વિસ્તરણનો અમલ રાજ્ય સરકારોની મદદથી કરવામાં આવશે.