માનનીય વડાપ્રધાન મોદીની સરકારે બહુમતીથી એન.આર. સી. અને સી.એ.એ. નો કાયદો પસાર કર્યા બાદ દેશના ખૂણે ખૂણે સમર્થન અને વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. વાંસદામાં ગ્રામજનો દ્વારા નેશનલ રજીસ્ટર ઓફ સીઝનશીપ અને સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. વાંસદા ખાતે ગામલોકો દ્વારા એન.આર. સી. અને સી.એ.એ.ના સમર્થનમાં વાંસદા જુના બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી ભવ્ય તિરંગા સાથે રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 1100 ફૂટના તિરંગા સાથે રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો પણ જોડાયા હતા. તે ઉપરાંત ગામના મુસ્લિમ સમાજના આગે
વાનો પણ મોટી સંખ્યામાં એન.આર. સી. અને સી.એ.એ.ના સમર્થનમાં જોડાયા હતા. વાંસદામાં યોજાયેલ રેલીમાં ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. વાંસદા તાલુકાના ગામડાઓના સરપંચ, ગામલોકો તેમજ મહિલાઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહી રેલીમાં ભાગ લીધો હતો. વંદેમાતરમ, ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર કર્યા તેમજ પાકિસ્તાન મુરદાબાદ નારાથી વાંસદા નગર ગુંજી ઉઠ્યું હતું. રેલીનું આયોજન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવી હતી.
વાંસદા ખાતે અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, એન.આર. સી. અને સી.એ.એ. કાયદો પસાર કર્યા બાદ ચોક્કસ પ્રકારના વર્ગ દ્વારા રાજકીય રોટલો શેકવા તોફાનો કરી સમગ્ર દેશને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો છે જે અત્યંત નિંદનીય કૃત્ય છે અને તેને અમે વખોડી કાઢીએ છીએ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહએ વર્ષો પહેલા પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ અને પારસી વર્ગના લોકોને ન્યાય આપવાનું ઉચિત પગલું ભર્યું છે. અને તેથી તમામ ગામજનો આ કાયદાની તરફેણ કરીએ છીએ અને તેના સમર્થનમાં આવેદનપત્ર પાઠવીએ છીએ.એમ જણાવાયું હતું.