રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલન મોહન ભાગવતે રામ મંદિરના મુદ્દા અંગે કર્ણાટકના ઉડ્ડપીમાં ચાલી રહેલી ધર્મસંસદમાં મોટું નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું હતું કે, રામ જન્મભૂમિ ઉપર ફક્ત રામ મંદિર જ બનશે અને તે પથ્થરથી જ બનશે. ધર્મસંસદમાં સંઘના પ્રમુખે કહ્યું કે રામમંદિરની ઉપર ખૂબ જ જલદીથી એક ભગવો ઝંડો લહેરાશે. રામ જન્મભૂમિ સ્થળ ઉપર અન્ય કોઈ બીજો ઢાંચોન બનાવી શકાય. આ સાથે જ મોહન ભાગવતે ગૌરક્ષાની વકીલાત કરતા કહ્યું હતું કે, આપણે ગાયોની સુરક્ષા સક્રિય રીતે કરવી પડશે. જો ગૌહત્યા ઉપર પ્રતિબંધ નહીં લગાવવામાં આવે તો આપણે શાંતિથી જીવી નહીં શકશો. સુપ્રીમ કોર્ટમાં પાંચ ડિસેમ્બરથી અયોધ્યા મુદ્દા ઉપર સુનાવણી થવા જઈ રહી છે અને તેના અગાઉ ભાગવતના આ નિવેદનના જુદા-જુદા મતલબ કાઢવામાં આવી રહ્યા છે.
અયોધ્યા મુદ્દા ઉપર હાલના દિવસોમાં આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરની પહેલ અંગે વાતચીત થઈ હતી. આ ઉપરાંત શિયા વકફ બોર્ડે પણ અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ વિવાદના સમાધાન માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર અને લખનૌમાં મસ્જિદ બનાવવામાં આવે.
સાથોસાથ બોર્ડે સૂચન આપ્યું હતું કે આ મસ્જિદનું નામ કોઈ શાસક ઉપર રાખવાના બદલે તેને ‘મસ્જિદ- એ – અમન’ એવું નામ આપવામાં આવે. શિયા વકફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિજવીએ અયોધ્યા વિવાદનો ઉકેલ કાઢવા માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, અયોધ્યામાં વિવાદિત જમીન ઉપર ભગવાન શ્રીરામનું મંદિર બનાવવામાં આવે જેથી હિંદુ અને મુસ્લિમોની વચ્ચેનો વિવાદ સદાયની માટે ખતમ થઈ જાય અને દેશમાં શાંતિ સ્થપાય.
જો કે આ પ્રસ્તાવને સુન્ની વકફ બોર્ડ અને બાબરી કેસના વાદીએ રદ કર્યો હતો. જયારે બાબરી મસ્જિદ એક્શન કમિટીના સંયોજક જફરયાબ જિલાનીએ કહ્યું હતું કે, બાબરી ઉપર શિયા બોર્ડનો દાવો બનાવટી છે.