આરબીઆઇએ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC)ને તેમના એજન્ટો દ્વારા વસૂલી પ્રક્રિયા દરમિયાન ઋણધારકો સામે બળજબરી ન કરવા જણાવ્યું છે. નિયમોનો ભંગ કરવા બદલ સિનિયર મેનેજમેન્ટને જવાબદાર ઠેરવવામાં આવશે એમ આરબીઆઇએ જણાવ્યું હતું.
નિર્દેશો પ્રમાણે એનબીએફસી લોન રિકવરી માટે આઉટસોર્સિંગ કરે છે પણ તેનાથી તેની, બોર્ડની અને સિનિયર મેનેજમેન્ટની જવાબદારીઓ ઘટી નથી જતી. ડાયરેક્ટ સેલ્સ એજન્ટ્સ, ડાયરેક્ટ માર્કેટિંગ એજન્ટ અને રિકવરી એજન્ટ સહિતના સર્વિસ પ્રોવાઇડરનાં પગલાં માટે એનબીએફસીનું મેનેજમેન્ટ જ આ મામલે જવાબદાર ગણાશે.
આરબીઆઇએ વધુમાં જણાવ્યું હતું કે, એનબીએફસી અને તેમના એજન્ટોએ ઋણ વસૂલી પ્રયાસ દરમિયાન કોઈ પણ વ્યક્તિ સામે મૌખિક કે શારીરિક સતામણી કે ધાકધમકીનો આશરો ન લેવો જોઈએ. ‘મેનેજિંગ રિસ્ક એન્ડ કોડ ઓફ કન્ડક્ટ ઈન આઉટસોર્સિંગ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસ બાય એનબીએફસી’ નામના અહેવાલમાં ઉપરોક્ત આદેશ અપાયા છે.