25 જુલાઈથી ઉત્તરાખંડના ચારધામની યાત્રા અન્ય રાજ્યો માટે પણ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદથી દેશભરથી લોકો ઉત્તરાખંડ ચાર ધામ દેવસ્થાનમ્ બોર્ડની વેબ સાઇટ પર દર્શન માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. પરંતુ ગંગોત્રી મંદિરમાં સામાન્ય ભક્તો માટે મંદિરની બહારથી દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગંગોત્રી ધામ મંદિર સમિતિના અધ્યક્ષ સુરેશ સેમવાલના જણાવ્યાં પ્રમાણે, આ સમયે રાજ્યમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. આવી સ્થિતિમાં મંદિરના પૂજારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા અમે મંદિરની અંદર ભક્તોને પ્રવેશવાની મંજૂરી આપતાં નથી. ભક્તોએ મંદિરની બહારથી જ દર્શન કરવાના રહેશે. જો ભક્ત મંદિરની અંદર જશે તો મંદિર સાથે જોડાયેલાં લોકોના સંપર્કમાં આવશે, જે પૂજારીઓના સ્વાસ્થ્ય માટે યોગ્ય રહેશે નહીં. એટલે અમે હાલ ભક્તોને મંદિરની અંદર જઇ દર્શન કરાવવાના પક્ષમાં નથી. આ અંગે મંદિર સમિતિએ અહીંના ડીએમ(જિલ્લા મેજિસ્ટ્રેટ)ના માધ્યમથી રાજ્ય સરકારને અપીલ કરી છે કે, હાલ કોરોનાને જોતા દર્શન વ્યવસ્થા શરૂ કરવી જોઇએ નહીં. કોઇપણ ભક્તને મંદિરની અંદર પ્રવેશ કરતા રોકવા તે વિધિ વિરૂદ્ધ છે. આ અંગે જિલ્લા પ્રશાસને આદેશ આપવામાં આવ્યો છે. જો કોઇ ભક્તને મંદિરમાં દર્શન કરવાથી રોકવામાં આવશે તો એફઆઈઆર નોંધવામાં આવશે.