પરીક્ષામાં ચોરીના કિસ્સા આમ તો સામાન્ય છે પણ બાંગ્લાદેશમાં ચોરીનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં કોલેજની પરીક્ષામાં ચોરીનો આરોપી કોઇ સામાન્ય પરીક્ષાર્થી નહીં પણ શાસક અવામી લીગનાં સાંસદ તમન્ના નુસરત છે. તમન્નાએ યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા હમશકલોનો ઉપયોગ કર્યો, તે પણ એક-બે નહીં, 8 હમશકલનો. યુનિવર્સિટીને આ અંગે જાણ થતાં જ તત્કાળ કાર્યવાહી કરી તેમને બરતરફ કરી દેવાયાં. તમન્નાએ 13 પરીક્ષામાં પોતાની જગ્યાએ 8 હમશકલનો ઉપયોગ કર્યો. તેના બદલામાં તેમને મોટી રકમ આપી હતી. આ ખુલાસા બાદ અવામી લીગે કહ્યું છે કે તે નુસરત વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરશે.
યુનિવર્સિટીએ સાંસદને બરતરફ કર્યા
ખાનગી ટીવી ચેનલ નાગરિક ટીવીના પ્રતિનિધિએ પરીક્ષાખંડમાં પ્રવેશ કર્યો ત્યારે નુસરતની જગ્યાએ પરીક્ષા આપતી મહિલા સાથે તેનો ભેટો થઇ જતાં ભાંડો ફૂટી ગયો. તેનો વીડિયો વાઇરલ થયા બાદ આખા દેશમાં હોબાળો મચી ગયો. ગત વર્ષે સાંસદ બનેલાં નુસરત બાંગ્લાદેશ ઓપન યુનિવર્સિટી (બીઓયુ)માંથી બી.એ.નો અભ્યાસ કરી રહ્યાં છે. બાંગ્લાદેશ ઓપન યુનિવર્સિટીના વડા એમ. એ. મન્નાને જણાવ્યું કે સાંસદે ગુનો કર્યો હોવાથી યુનિવર્સિટીએ તેમને બરતરફ કરી દીધા છે. અમે તેમનું એડમિશન રદ કરી નાખ્યું છે. હવે તેઓ અહીં ક્યારેય પ્રવેશ નહીં લઇ શકે. કોલેજના એક અધિકારીએ કહ્યું કે પરીક્ષા આપતી હમશકલ મહિલાઓને નુસરતના સુરક્ષાકર્મી સિક્યુરિટી પૂરી પાડતા હતા. આ વાત બધા જ જાણતા હતા પણ નુસરતનો પરિવાર વગદાર હોવાના કારણે કોઇ કંઇ બોલી શકતું નહોતું. નુસરતે આ મામલે કોઇ પ્રતિક્રિયા આપી નથી. બાંગ્લાદેશમાં પરીક્ષા અગાઉ પ્રશ્નપત્ર લીક થવું અને ચોરીઓ થવી સામાન્ય વાત છે. આ કારણથી ત્યાં પરીક્ષાનાં પરિણામ ઘણી વાર રદ થઇ જાય છે.
હમશકલોને સુરક્ષાકર્મી નકલની સામગ્રી પૂરી પાડતા હતા
નુસરત બાંગ્લાદેશ ઓપન યુનિ.માંથી કેટલાક પ્રોફેશનલ કોર્સ પણ કરી રહી છે. પરીક્ષાખંડની બહાર નુસરતના સુરક્ષાકર્મી હમશકલોને ચોરી કરવાની તથા અન્ય સુવિધાઓ પૂરી પાડતા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ યુનિવર્સિટીના ઘણા અધિકારી આ બધું જાણતા હતા પણ નુસરતનો પરિવાર ઘણો વગદાર હોવાથી તેઓ ચૂપ હતા.