જાફરાબાદના નાગેશ્રી ગામે ગત રાત્રે રહેણાંક વિસ્તારમાં એક સિંહ આવી ચડ્યો હતો. સિંહ રસ્તા પર રઝળતા એક પશુનો શિકાર કર્યો હતો. સિંહ મિજબાની માણી રહ્યો હતો. ત્યારે ચાલુ વરસાદે જીવંત વીજ વાયર તેની બાજુમાં જ પડ્યો હતો. આથી સિંહને બચાવવા માટે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના ટ્રેક્ટર વડે સિંહને ખસેડ્યો હતો અને તેનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાની સ્થાનિક લોકોએ PGVCLને પણ જાણ કરી હતી. પરંતુ PGVCLના કર્મચારીઓ ઘટનાસ્થળે ડોકાયા પણ નહોતા. વન વિભાગની ટીમે ટ્રેક્ટર વડે સિંહને બચાવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. એક તરફ વરસાદ ચાલુ હતો ત્યારે જ જીવંત વીજ વાયર સિંહ મિજબાની માણી રહ્યો હતો તેની બાજુમાં ખાબક્યો હતો. આથી સિંહના જીવ પર પુરૂ જોખમ આવી ગયું હતું. પરંતુ વન વિભાગની સરાહનીય કામગીરીથી જંગલના રાજાનો જીવ બચી ગયો હતો. તાલાલાના આંકોલવાડી ગામમાં એક સિંહ ઘૂસી આવ્યો હતો. આથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સિંહે ગામમાં ઘૂસી આવી ગાયનો શિકાર કર્યો હતો. સિંહ મિજબાની માણી રહ્યો હતો તે દ્રશ્યો ગ્રામજનોએ મોબાઈલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો.