નવી દિલ્હી : કર્ણાટક સરકારે તાજેતરમાં માર્ગ સલામતી અંગે કડક કાયદો બનાવ્યો છે. રાજ્યમાં મોટરસાયકલ સવારો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરાયું છે. આ ઉપરાંત ટુ-વ્હીલર્સ પર ચાર વર્ષથી વધુ ઉંમરના બાળકોએ પણ હેલ્મેટ પહેરવાનું રહેશે. આવું ન કરતા વાહનો ચલાવતા ડ્રાઇવરોના ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) ને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે. તેમજ દંડ પણ લાદવામાં આવશે. કર્ણાટક સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ નિર્ણય લીધો છે.
મોટર વ્હીકલ એક્ટની કલમ 129 મુજબ બાઇક સવારો માટે બીએસ સ્ટાન્ડર્ડ હેલ્મેટ લગાવવું જરૂરી છે. જો કોઈ કર્ણાટકમાં નિયમોની અવગણના કરે છે, તો લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે અને 1000 રૂપિયા દંડ પણ લેવામાં આવશે.
પ્રદૂષણનું પ્રમાણપત્ર ન હોવા પર લાગશે આટલો દંડ
જો તમારી પાસે તમારા વાહન માટે માન્ય પોલ્યુશન અંડર કંટ્રોલ (પીયુસી) પ્રમાણપત્ર નથી, તો પછી જ્યારે પણ તમે રસ્તા પર નીકળો ત્યારે 10,000 રૂપિયા દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. ગયા વર્ષે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે નિયમોમાં ફેરફાર કર્યા છે અને દંડની રકમમાં દસ ગણો વધારો કર્યો છે. અગાઉ પીયુસી સર્ટિફિકેટમાં માત્ર એક હજાર રૂપિયા દંડ ભરવો પડતો, પરંતુ સરકારે તેને વધારીને 10,000 રૂપિયા કરી દીધા છે.