એક તરફી પ્રેમમાં પડેલા યુવકને યુવતીએ કોઈ રિસ્પોન્સ નહીં આપતા આખરે રોમિયોએ યુવતીને પજવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેતા યુવતીએ સાઇબર ક્રાઇમને જાણ કરી છે. ગેંડા સર્કલ નજીક મેકડોનલ રેસ્ટોરન્ટમાં કામ કરતા ભાર્ગવ પરમાર નામના યુવક સામે ગંભીર આક્ષેપ કરનાર યુવતીએ કહ્યું છે કે જુલાઈ મહિનામાં મારા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર આવેલી રિક્વેસ્ટમાં મારો ફોટો જોઈ હું આશ્ચર્ય પામી હતી.
મોકલ્યા મોર્ફ કરેલા ફોટો
રિક્વેસ્ટ મોકલનારે મારા નામનું એકાઉન્ટ બનાવ્યું હતું અને થોડા સમય બાદ તેણે મારા મોફૅ કરેલા ન્યૂડ ફોટા મોકલતા મેં મારા બીજા મિત્રને આ બનાવની જાણ કરી હતી. આ મિત્રએ પણ તેને મારા નામના બોગસ એકાઉન્ટ ફોલ્ડરમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હોવાની વિગતો જણાવતા આખરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. મારા ફોટા મોકલનાર વ્યક્તિએ મને અશ્લીલ મેસેજો પણ મોકલવા માંડ્યા હતા અને રેપ કરી તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.
સાઇબર સેલે ગુનો નોંધી કાર્યવાહી કરી
સાયબર સેલની તપાસ દરમિયાન મને ફોટા મોકલી ધમકી આપનારનું નામ ભાર્ગવ કમલેશભાઈ પરમાર રહે શાંતિ નગર સોસાયટી ન્યુ સમા રોડ હોવાનું જાણવા મળ્યું હતું. આ ભાર્ગવને હું સારી રીતે ઓળખું છું અને તેણે અગાઉ પણ મારી સાથે બિભત્સ ચેનચાળા કરતા તેના બોસ ને મેં ફરિયાદ કરી હતી. જેથી તેની સામે પગલાં પણ લેવાયા હતા. જેથી યુવતીને પરેશાન કરવા ભાર્ગવે આ કૃત્ય કર્યું હોવાની વિગતો ખુલતા સાઇબર સેલે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.