પ્રાઈવેટ લેબોરેટરી RT-PCR ટેસ્ટ માટે વધુ ચાર્જીસ વસૂલી રહ્યાની ફરિયાદો SM હાઉસમાં મળતી હાઈ પાવર કમિટી સુધી પહોંચતા આવી લેબોરેટરીમાં આડેઘડ થઈ રહેલા કોવિડ-૧૯ના ટેસ્ટ બંધ કરવા આદેશ કરવામા આવ્યો છે. હવેથી પ્રાઈવેટ લેબોરેટરીમાં નોવેલ કોરોના વાઈરસ કોવિડ-૧૯નો ટેસ્ટ માટે સિવિલ સુપરિટેન્ડેન્ટનું વેરિફિકેશન ફરજિયાત કરી દેવાયુ છે.
ગુજરાતમાં કોવિડ-૧૯ના ટેસ્ટ માટે જેમને મંજૂરી આપવામાં આવી છે તેવી પ્રાઈવેટ લેબોરેટરી ડોક્ટરની ભલામણ વગર પણ ઊંચી ફી વસૂલીને ટેસ્ટ કરી રહી છે. આવી આપત્તિમાં પણ રૂપિયા ભેગા કરી લેવાનો અવસર મળ્યો હોય તેમ ચાલી રહેલી લૂંટફાટ સંદર્ભે મુખ્યમંત્રી સુધી ફરિયાદો પહોંચી હતી. આથી, આડેઘડ થઈ રહેલા ટેસ્ટને નિયંત્રિત કરવા સિવિલ સુપરિન્ટેન્ડેન્ટના વેરિફિકેશન વગર એક પણ ટેસ્ટ ન કરવા આદેશ કર્યાનું કહેતા આરોગ્ય અગ્રસચિવ ડો. જંયતિ રવિએ જણાવ્યુ કે, પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટર કે હોસ્પિટલોને ઈમરજન્સી ઓપરેશન જેવી સ્થિતિમાં સરળતા રહે એ ઉદ્દેશ્યથી પ્રાઈવેટ લેબમાં કોવિડ-૧૯ના ટેસ્ટની વ્યવસ્થા છે.
ICMRની ગાઈડલાઈન પહેલાથી જ સ્પષ્ટ છે કે જેમને સિમ્પ્ટોમ નથી તેમને RT-PCR ટેસ્ટ કરવાની જરૂર નથી. કોરોના વાઈરસના શંકાસ્પદ નાગરિકમાં જો તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો હોય તેમના માટે સરકારે નિશુલ્ક ટેસ્ટિંગની વ્યવસ્થા કરી જ છે. એટલુ જ નહી, સગર્ભા બહેનોને પ્રસુતિ પહેલા અને મા કાર્ડ ધારકો માટે તો પહેલાથી જ કોવિડ-૧૯ના ટેસ્ટ ફ્રી કોસ્ટ છે.