Congress: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો રાજ્યસભાનો કાર્યકાળ બુધવારે પૂરો થશે. આ અવસર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પૂર્વ પીએમના યોગદાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ હંમેશા મધ્યમ વર્ગ અને યુવાનોના હીરો રહેશે. ખડગેએ મનમોહન સિંહને પત્ર લખીને પાર્ટી અને દેશ માટે તેમના યોગદાન માટે આભાર માન્યો હતો. ખડગેએ પત્રમાં લખ્યું છે કે ત્રણ દાયકાથી વધુ સમય સુધી સેવા આપ્યા બાદ એક યુગનો અંત આવી રહ્યો છે. વધુમાં કહેવાયું છે કે દેશ માટે તમારા જેટલું કામ બહુ ઓછા લોકોએ કર્યું છે. મનમોહન કેબિનેટનો ભાગ બનવું એ મારું સૌભાગ્ય હતું. જ્યારે હું લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસનો નેતા હતો ત્યારે તમે એવા વ્યક્તિ હતા જેમની સલાહને મેં મહત્ત્વ આપ્યું હતું.
ખડગેએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અંગત અસુવિધાઓ હોવા છતાં મનમોહન સિંહ કોંગ્રેસ પાર્ટી માટે ઉપલબ્ધ રહ્યા. ભૂતપૂર્વ વડા પ્રધાને મોટા ઉદ્યોગો, યુવા ઉદ્યમીઓ, નાના ઉદ્યોગો, પગારદાર વર્ગ અને ગરીબો માટે સમાન રીતે ફાયદાકારક એવી આર્થિક નીતિઓ આગળ ધપાવવાનું કામ કર્યું હતું. તેમણે લખ્યું કે મનમોહન સિંહે કહ્યું કે ગરીબો પણ દેશના વિકાસમાં ભાગ લઈ શકે છે અને ગરીબીમાંથી બહાર આવી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષના કહેવા પ્રમાણે, મનમોહન સિંહની નીતિઓને કારણે ભારત 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં સફળ રહ્યું છે.
My letter to Former Prime Minister, Dr Manmohan Singh ji as he retires from Rajya Sabha, today.
As you retire today from the Rajya Sabha after having served for more than three decades, an era comes to an end. Very few people can say they have served our nation with more… pic.twitter.com/jSgfwp4cPQ
— Mallikarjun Kharge (@kharge) April 2, 2024
ખડગેએ પૂર્વ વડાપ્રધાનને કહ્યું કે તમારી સરકારમાં શરૂ કરાયેલી મનરેગા યોજનાએ કટોકટીના સમયમાં ગ્રામીણ કામદારોને રાહત આપી છે. તેથી ગ્રામીણ વિસ્તારના ગરીબ લોકો તમને આ માટે હંમેશા યાદ રાખશે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે મનમોહન સિંહે ભારત-અમેરિકા પરમાણુ કરારને આગળ વધારવાનો નિર્ણય કર્યો ત્યારે તે ઐતિહાસિક ક્ષણ હતી. ખડગેએ લખ્યું કે મને યાદ છે કે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તમારા વિશે કહ્યું હતું કે જ્યારે પણ ભારતીય વડાપ્રધાન બોલે છે ત્યારે આખી દુનિયા તેમની વાત સાંભળે છે. તેમણે પત્રમાં લખ્યું છે કે તમે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છો ત્યારે પણ હું આશા રાખું છું કે શક્ય તેટલી વાર આપણા દેશના નાગરિકો સાથે વાત કરીને તમે રાષ્ટ્રનો અવાજ બની રહેશો.