ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્વ જેવી સ્થિતિનું નિર્માણ થવાની અસર વિમાની સેવા પર પડ્યા બાદ હવે ભારત-પાકિસ્તાન વચ્ચે દોડતી સમઝૌતા એક્સપ્રેસ પર પણ પડી છે. પાકિસ્તાને સમઝૌતા એક્સપ્રેસને અટકાવી છે. લાહોરથી દિલ્હી આવતી આ ટ્રેનને હાલના તબક્કે પાકિસ્તાને અટકાવી દીધી છે.
પાકિસ્તાન સરકારે ટ્રેનને દોડતી અટકવવાનું સમર્થન આપ્યું છે. બન્ને દેશો વચ્ચે ઉભા થયેલા તણાવના પગલે અસ્થાયી રીતે ટ્રેનને અટકાવી દેવામાં આવી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ગુરુવારે ટ્રેનને ભારત રવાના કરવામાં આવી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સુરક્ષાની સ્થિતિ સુધારા પર આવ્યા બાદ ટ્રેન ફરી પાછી દોડતી થઈ જશે. લાહોર રેલવે સ્ટેશનના માસ્તરે પણ કહ્યું કે વધુ આદેશ ન મળે ત્યાં સુધી સમઝૌતા એક્સપ્રેસ પાટા પર દોડશે નહીં.
ન્યૂઝ એજન્સીઓએ જણાવ્યું કે ટ્રેન સેવાને અટકાવી દેવામાં આવી છે જ્યારે દોસ્તીની બસ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બસનું ભવિષ્ય હાલ અસ્પષ્ટ છે.
પાકિસ્તાનથી ભારત આવનારા મુસાફરો લાહોરમાં ફસાઈ ગયા છે. જ્યારે ભારતના અટારીથી પાકિસ્તાન આવનારા અનેક યાત્રીઓ પણ ભારતમાં ફસાયા છે. ફસાયેલા મુસાફરોને બન્ને દેશોમાં રવાના કરવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
બીજી તરફ અટારી રેલવે સ્ટેશનનાં સ્ટેશન માસ્તર એ.કે.ગુપ્તાએ કહ્યું કે અહીંયા સ્થિતિ સામાન્ય છે. તેમણે કહ્યું કે ગુરુવારે દિલ્હીથી અટારી પહોંચનારી સમઝૌતા એક્સપ્રેસ નિર્ધારિત સમય પર અટારી પહોંચી રહી છે. જ્યારે વાઘા બોર્ડરથી જાણકારી મળી છે કે સમઝૌતાને લાહોર તરફથી રદ્ કરવામાં આવી છે. અટકાવી દેવાયેલી ટ્રેનમાં પાકિસ્તાનના 40 મુસાફરો છે. હવે તમામને રોડ મારફત ભારત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.