સુપ્રીમ કોર્ટે રામ મંદિર-બાબરી મસ્જિદ મામલાની સુનાવણી ફરી એક વાર ટાળી દીધી છે. મામલાની સુનાવણી બે દિવસ બાદ એટલે કે 29મી જાન્યુઆરીએ થવાની હતી. પરંતુ સુનાવણીને લંબાવી દેવામાં આવી છે. આ પૂર્વે જાન્યુઆરીમાં આ કેસની બે વખત સુનાવણી ટાળી દેવામાં આવી છે. આ વખતે 29મી જાન્યુઆરી સુનાવણી કરવામાં આવનાર હતી પરંતુ આ વખતે પણ સુનાવણી હાથ ધરી શકાશે નહીં.
બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ મંદિર વિવાગ અંગે કોર્ટે સુનાવણી એટલા માટે ટાળી દીધી છે કે સુનાવણી કરનારી બંધારણીય બેન્ચના પાંચ જજ પૈકી એક જજ કોર્ટમાં હાજર રહી શકે એમ નથી. જસ્ટીસ એસએ બોબડે સુનાવણીમાં હાજર રહી શકશે નહીં. તેમની અનુપસ્થિતિ જ સુનાવણીને ટાળવાનું મુખ્ય કારણ છે. ANIના અહેવાલ પ્રમાણે અયોધ્યા કેસની સુનાવણી ટાળી દેવામાં આવી છે.
જણાવી દઈએ કે હિન્દુ સંગઠન વિવાદિત સ્થળ પર રામ મંદિરના નિર્માણને લઈ અડગ છે. તેમની માંગ છે કે તાત્કાલિક મંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવે. કેટલાક નેતાઓએ વટહુકમ લાવવાની પણ માંગ કરી છે. દરમિયાનમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પર દેશભરની નજર મંડાયેલી છે. કારણ કે વડાપ્રધાન મોદીએ થોડાંક દિવસ પહેલા મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર મામલે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ વટહુકમ લાવવાનો વિચાર કરી શકાય છે. હાલ વટહુકમ બહાર પાડવાનો મોદીએ ઈન્કાર કર્યો હતો.