સુપ્રીમ કોર્ટે પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટને આપવામાં આવેલી પર્યાવરણીય મંજૂરીમાં ઉલ્લંઘનનો આક્ષેપ કરતી અરજી પર કેન્દ્ર અને અન્ય લોકો પાસેથી જવાબ માંગ્યો છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એમએમ સુંદરેશની બેંચે કેન્દ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશાની સરકારોને નોટિસ પાઠવી છે. બેન્ચે કહ્યું કે નોટિસ ફેબ્રુઆરી 2023 સુધીમાં પરત કરી શકાય છે.
સર્વોચ્ચ અદાલત અર્થશાસ્ત્રી પેન્ટાપતિ પુલ્લારાવ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં NGTએ પુલ્લારાવને તેમની અરજી સાથે સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્દેશ આપ્યો હતો.
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે એનજીટીએ પર્યાવરણ અને વન મંત્રાલય, જલ શક્તિ મંત્રાલય, આંધ્ર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલાવરમ પ્રોજેક્ટ ઓથોરિટીની સંયુક્ત સમિતિના અહેવાલને ધ્યાનમાં લીધા વિના આ બાબતને બંધ કરી દીધી છે. અરજદારે રજૂઆત કરી છે કે ઉલ્લંઘનના આક્ષેપો પર્યાવરણના ઉલ્લંઘન અને પ્રોજેક્ટ સત્તાવાળાઓ દ્વારા પર્યાવરણ મંજૂરીમાં લાદવામાં આવેલી ફરજિયાત અને સાવચેતી શરતોના બિન-અમલીકરણ સાથે સંબંધિત છે.