આ સ્કીમમાં પતિ અને પત્ની અલગ અલગ એકાઉન્ટ દ્વારા મહિને 10000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે.અટલ પેન્શન યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે આ યોજનાનો લાભ 18 વર્ષથી 40 વર્ષનો કોઇ પણ ભારતીય નાગરિક લઇ શકે છે. જેની પાસે બેંક કે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ છે તે તેમાં સરળતાથી રોકાણ કરી શકે છે. આ યોજનામાં 60 વર્ષ બાદ જમાકર્તાને પેન્શન મળવાનું શરૂ થાય છે. અટલ પેન્શન યોજના એવી સરકારી યોજના છે જેમાં તમારા દ્વારા કરવામાં આવેલ રોકાણ તમારી ઉંમર પર આધાર રાખે છે. આ યોજના અંતર્ગત તમે લઘુત્તમ માસિક પેન્શન 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અને મહત્તમ 5000 રૂપિયા મેળવી શકો છો. આ એક સુરક્ષિત રોકાણ છે જેમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવુ હોય તો તમારી પાસે સેવિંગ્સ એકાઉન્ટ નંબર, આધાર નંબર અને મોબાઇલ નંબર હોવા જરૂરી છે.
આ યોજના અંતર્ગત 18 થી 40 વર્ષના લોકો અટલ પેન્શન યોજનામાં નોમિનેશન કરાવી શકે છે. આ માટે અરજદાર પાસે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે. ધ્યાનમાં પણ રાખો કે તમારી પાસે ફક્ત એક જ અટલ પેન્શન એકાઉન્ટ હોઈ શકે છે. આ યોજના હેઠળ તમે જેટલી વહેલી તકે રોકાણ કરશો તેટલો જ ફાયદો તમને મળશે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજનામાં જોડાય છે, તો 60 વર્ષની ઉંમર પછી, તેણે દર મહિને 5000 રૂપિયાના માસિક પેન્શન માટે દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરવા પડશે. આ રીતે, આ યોજના સારા નફા વાળી યોજના છે. 39 વર્ષથી ઓછી ઉંમરના જીવનસાથીઓ આ યોજનાનો અલગથી લાભ લઈ શકે છે, જેમાંથી તેઓ 60 વર્ષની ઉંમર પછી દર મહિને 10,000 રૂપિયાનું સંયુક્ત રૂપે પેન્શન મેળવશે. જો પતિ અને પત્ની જેની ઉંમર 30 વર્ષ કે તેનાથી ઓછી હોય, તો તેઓ તેમના સંબંધિત APY ખાતામાં દર મહિને 577 રૂપિયાનું યોગદાન આપી શકે છે. જો પતિ અને પત્નીની ઉંમર 35 વર્ષ છે, તો તેઓએ તેમના APY ખાતામાં દર મહિને 902 રૂપિયા જમા કરાવવાના રહેશે. ગેરેન્ટીડ મંથલી પેન્શન ઉપરાંત, જો જીવનસાથીમાંથી કોઈ મૃત્યુ પામે તો, હયાત જીવનસાથીને દર મહિને આજીવન પેન્શન સાથે 8.5 લાખ રૂપિયા મળશે.