Seema Haider attack : ઘરમાં ઘૂસી સીમા હૈદર પર હુમલો, યુવકના ‘કાળા જાદુ’ના દાવાથી ચકચાર
Seema Haider attack : નોઈડામાં રહેતી પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર પર એક હુમલો થયો છે. આ હુમલો ગુજરાતી યુવકે કર્યો હોવાનું ખુલાસો થયો છે.. શનિવાર સાંજના સમયે ગુજરાતના સુરેન્દ્રનગરનો એક યુવક, તેજસ જાની, અચાનક સીમાના ઘરમાં ઘૂસી ગયો અને તેના પર શારીરિક હુમલો કર્યો. માહિતી મુજબ, તેજસે ઘરના દરવાજાને લાત મારી અને અંદર પ્રવેશ કર્યા બાદ સીમાનું ગળું દબાવ્યું તથા તેને થપ્પડ માર્યા.
સીમાની ચીસ સાંભળીને પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા અને હુમલાખોરને કાબૂમાં લીધો. ત્યારબાદ પોલીસે તે યુવકને કસ્ટડીમાં લીધો છે. પોલીસે જણાવ્યું કે આરોપી યુવક મનસ્વી છે અને તેણે દાવો કર્યો કે સીમાએ તેના પર કાળો જાદુ કર્યો છે.
આરોપીની ઓળખ તેજસ જાની તરીકે થઇ છે. તે સુરેન્દ્રનગરના TB હોસ્પિટલ વિસ્તારમાં રહે છે અને ટ્રેન દ્વારા દિલ્હીના માર્ગે નોઈડામાં પહોંચ્યો હતો. પોલીસે તેનો મોબાઇલ જપ્ત કર્યો છે અને તેના કોલ ડિટેલ્સ તથા સોશિયલ મીડિયા એક્ટિવિટીની તપાસ ચાલી રહી છે.
હમણાં થોડા દિવસો પહેલા સીમા હૈદરે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીને અપીલ કરી હતી કે તેને ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવે. તેણે જણાવ્યું કે હવે તે પાકિસ્તાની નહીં, પણ ભારતની વહુ છે અને ભારતની સંસ્કૃતિને સ્વીકારી ચૂકી છે.
સીમાના વકીલ એપી સિંહે કહ્યું કે તેને પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવા માટે જારી કરાયેલા આદેશથી મુક્ત રાખવામાં આવી છે, કારણ કે તેનું સંપૂર્ણ પરિવાર ભારતીય છે અને તેની દોઢ માસની દીકરી ભારતમાં જન્મેલી હોવાથી તેને નાગરિકત્વના નિયમોના આધારે સુરક્ષા મળે છે.
ઘટનાના પગલે સીમા હૈદરના ઘરની સુરક્ષા અને આતંકી પૃષ્ઠભૂમિ વચ્ચે સંબંધિત દલીલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે.