કોરોના વાઇરસનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે આખી દુનિયામાં સંસર્ગમુક્ત રહેવાની એક માત્ર સલાહ અપાતી રહે છે. પરંતુ હવે એ સલાહ અંગે પણ ફેરવિચારણા કરવાની નોબત આવી છે. સંસર્ગમુક્ત રહેવાને કારણે એકલતા કોરી ખાનારી બની રહે એમ છે અને તેને પગલે હૃદયરોગ, હતાશા અને ઉન્માદનું જોખમ વધી શકે છે.
ટૂંકાગાળાની દાહ ઉપયોગી પણ લાંબા સમયની દાહ નુુકસાનકારક
કેટલાક સંશોધનમાં જણાય છે કે એકલતા અને સામાજિક અટૂલા રહેવાથી આરોગ્ય નબળું થાય છે અને તેને કારણે શરીરમાં દાહ વધે છે. દાહ એ છે કે તમારું શરીર રોગ પ્રતિકાર શક્તિને ઇજા કે ચેપ સામે લડવા માટે રસાયણ પેદા કરવા માટે સંકેત આપે છે. તમે સાઇકોલોજિકલ કે સામાજિક તણાવ અનુભવતા હોય ત્યારે પણ તમને આવો અનુભવ થાય છે. હળવી ઇજા થઇ હોય ત્યારે દાહ થાય એ મદદરૂપ થાય છે, જેથી તમને ઇજાનો ખ્યાલ આવે પરંતુ લાંબા સમય સુધી દાહ હોય ત્યારે આરોગ્યને ગંભીર અસર પહોંચે છે.
ભારતની કોરોનાની પહેલી દર્દી માટે આઇસોલેશનના દિવસો વધુ તણાવપૂર્ણ
ભારતના પહેલી કોરોના વાઇરસની દર્દી હાલમાં તેના અભ્યાસમાં વ્યસ્ત છે. સપ્તાહના દિવસો દરમિયાન સવારે ૫.૩૦ કલાકે ૨૦ વર્ષની આ મેડિકલ શિક્ષણની વિદ્યાર્થિની તેના ચીની શિક્ષક સાથે ઓનલાઇન સંપર્કમાં રહે છે. પરંતુ થ્રીસૂરની આ યુવતી જાન્યુઆરીના એ દિવસો ભૂલી શકી નથી. ૨૩મી જાન્યુઆરીએ મળસ્કે જ તેણે વુહાનની મેડિકલ કોલેજમાં ભણતા ૨૦ ભારતીયો સાથે કેમ્પસ છોડયું હતું.
એરપોર્ટ પર પહોંચ્યા ત્યાં જ વુહાનની સ્થિતિ વધુ ગંભીર બની
તેઓએ કેમ્પસ છોડયાના કલાકોમાં જ બધુ જાણે તાળાબંધી હેઠળ આવી ગયું હતું. શરૂઆતમાં વિદ્યાર્થીઓને એ જાણ હતી કે સંખ્યાબંધ લોકો ન્યુમોનિયાથી પીડાતા હતા, પરંતુ તેઓ એમ માનતા હતા કે તેઓ સુરક્ષિત છે. પાછળથી જાણ થઇ કે એ રોગ માનવીમાંથી માનવીમાં પણ ફેલાયો છે. એ ચિંતાજનક બાબત હતી. એરપોર્ટ પર તેમને જણાયું કે કોલકાતા પહોંચવાનું વિમાન ભાડું સામાન્ય ૨૫ હજારથી વધીને ૬૦ હજાર થઈ ગયું હતું. પરંતુ બીજો કોઈ વિકલ્પ ન હોવાને કારણે તેઓએ ટિકિટ તો લીધી અને પરત આવ્યા.
ઘરે આવ્યાના ત્રણ દિવસમાં શરીર ઉપર લક્ષણ દેખાવા માંડયા
૨૭મી જાન્યુઆરી સુધીમાં તો એ વિદ્યાર્થિની ગળામાં દુખવું અને કફ થવા માંડયા હતા. એ વુહાનથી આવી હતી, ૩૦મી જાન્યુઆરીએ તે કોવિડ-૧૯ પોઝિટિવ હોવાનું જણાયું અને તે પહેલો ભારતનો કોરોના વાઇરસનો દર્દી બની હતી. તેની સાથે સંપર્કમાં આવેલા લોકો પણ પોઝિટિવ જણાયા હતા. ત્યારથી એક માર્ચ સુધી તેને તબક્કાવાર પહેલાં હોસ્પિટલમાં અને બાદમાં ઘરમાં આઈસોલેશનમાં રાખવામાં આવી હતી. હજુ એ વિદ્યાર્થીની ટોળાંથી દૂર રહે છે. હવે તેનું સ્વાસ્થ્ય સારું છે, પણ એ વીતેલા દિવસો ખરેખર તણાવપૂર્ણ હતા.
હોંગકોંગમાં કોરોના વાઇરસથી પહેલા શ્વાનનું મોત
હોંગકોંગમાં કોરોના વાઇરસનો ચેપગ્રસ્ત પહેલો શ્વાનને રોગ મુક્ત થયાનું જાહેર થયા બાદ મૃત્યુ પામ્યો હતો. આ ૧૭ વર્ષના પામેરિયન શ્વાનને તેનો ચેપ લાગતાં તેને સંસર્ગમુક્ત સ્થિતિમાં રખાયો હતો અને તેને એ બાદ રોગમુક્ત જાહેર કરી ઘરે મોકલાયો હતો. હોંગકોંગના એગ્રિકલ્ચર, ફિશરીઝ એન્ડ કન્ઝર્વેશન ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે, વિભાગને શ્વાનના માલિક તરફથી એ શ્વાન મૃત્યુ પામ્યો હોવાની જાણકારી મળી હતી. જો કે મૃત્યુનું કારણ શું છે, તે જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવા દેશે નહીં. કોરાનાથી સંક્રમિત થયા બાદ શ્વાનને સારવાર અપાઇ હતી. ગયા મહિને તેના અનુનાસિક અને મુખ એનાલિસીસમાં તેને હળવો ચેપ લાગ્યાનું જણાયું હતું.
શ્વાન અને માલિકણમાં વાઇરસનો જિનેટિક મેપ સરખો જણાયો !
એગ્રિકલ્ચર, ફિશરીઝ એન્ડ કન્ઝર્વેશન ડિપાર્ટમેન્ટે આ પહેલાં જણાવ્યું હતું કે શ્વાન અને તેના માલિકણ ચો હોઉ યીમાં વાઇરસનો જિનેટિક મેકઅપ સરખો જણાયો હતો. વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું હતું કે, કોઇ શ્વાનને આ જીવલેણ રોગનો ચેપ લાગ્યો હોય એવો એક માત્ર જાણીતો દાખલો છે. હોંગકોંગમાં કોઇ બીજો શ્વાન સંક્રમિત થયો હોય એવું જાણવા મળ્યું નથી.