વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિક્કિમના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ (પાકયોંગ એરપોર્ટ)નું ઉદ્ઘાટન કર્યું હતું. સિક્કિમના પ્રથમ એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા મોટર માર્ગે જ કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. સિક્કિમ પહોંચ્યા બાદ વડા પ્રધાને ત્યાંની કેટલીયે તસવીરો પોસ્ટ કરી હતી. દુનિયાની સૌથી મોટી હેલ્થ સ્કીમ આયુષ્માન ભારત યોજના લોન્ચ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે જ સિક્કિમ પહોંચી ગયા હતા. મોદી બંગાળના બાગડોગરા એરપોર્ટ પરથી એમઆઇ-૮ હેલિકોપ્ટર દ્વારા ગંગટોક પહોંચ્યા ત્યારે હેલિપેડ પર રાજ્યપાલ ગંગાપ્રસાદ, મુખ્યપ્રધાન પવન ચામલીંગે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ પાકયોંગ ખાતે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં લોકોને સંબોધન કરશે. વર્ષ ર૦૦૯માં એરપોર્ટનો પાયો નખાયા બાદ નવ વર્ષ બાદ આજે પોતાના એરપોર્ટનું સિક્કિમનું સપનું પૂરું થશે. આ એરપોર્ટ ગંગટોકથી ૩૩ કિ.મી. દૂર છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રૂ.૬ર૦ કરોડના ખર્ચે પાંગયોંગ એરપોર્ટનું નિર્માણ કર્યું છે. આ એરપોર્ટ ર૦૦ એકરથી વધુ જમીનમાં પથરાયેલ છે. સમુદ્રથી ૪પ૦૦ ફૂટની ઊંચાઇએ આવેલા પાકયોંગ ગામની નજીક બે કિલોમીટર ઉપર એક પર્વતની ટોચ પર આ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. આ એરપોર્ટ ભારત-ચીન સરહદથી માત્ર ૬૦ કિ.મી. દૂર છે. આગામી દિવસોમાં મુખ્ય રનવેની બાજુમાં ૭પ મીટર લાંબી અન્ય હવાઇ પટ્ટીના નિર્માણ બાદ ભારતીય એરફોર્સ પણ વિવિધ પ્રકારના વિમાન ઉતારી શકશે. પ માર્ચના રોજ પાકયોંગ એરપોર્ટથી આઇએએફના ડોર્નિયર-રર૮ વિમાનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું હતું. પાછળથી સ્પાઇસ જેટે પણ ટેસ્ટિંગ કર્યું હતું. દુર્ગાપૂજા પહેલાં સ્પાઇસ જેટ પાકયોંગથી કોલકાતા અને ગોહાટી વચ્ચે ઉડાન શરૂ કરનાર છે. તેનું પ્રારંભિક ભાડું રૂ.ર૬૦૦ હશે. પાછળથી પાકયોંગથી ભુતાન, નેપાળ અને થાઇલેન્ડની ફલાઇટ પણ શરૂ કરાશે. કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે સિક્કિમની રચનાને ૪૦ વર્ષ થયા બાદ હવે રાજ્યને દુનિયાના હવાઇ નકશામાં સ્થાન મળશે. જીતેન્દ્રસિંહે આશા વ્યકત કરી હતી કે રાજ્યમાં પર્યટનને હવે વધુ પ્રોત્સાહન મળશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.