આ મહિનાની શરૂઆતથી દેશભરમાં નવા વ્હીકલ એક્ટ હેઠળ નવા ટ્રાફિક નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. દેશના કેટલાક રાજ્યોમાં આ નવા નિયમોનો વિરોધ કરવામાં આવ્યો છે જ્યારે કેટલાક રાજ્યના લોકોએ આ નિયમોને આવકારા છે. પરંતુ ગુજરાતમાં મિશ્રિત પ્રતિક્રિયા જોવા મળી છે. જોકે રાજ્યમાં મોટાભાગે લોકો દ્વારા નિયમોનો વિરોધ થતા રાજ્ય સરકારે નવી જોગવાઈ હેઠળ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પેઠે વસૂલાતા દંડની રાશિમાં ઘટાડો કર્યો છે.
તેમ છતા પણ વિરોધ અને લોકોની હાલાકી થતા રાજ્ય સરકારે પીયુસી અને HSRP નંબર પ્લેટ માટે લોકોને રાહત આપી મુદતમાં 15 ઓક્ટોબર સુધીનો વધારો કર્યો છે. ટ્રાફિકના નવા નિયમો હેઠળ ઉલ્લંઘન પર ટ્રાફિક પોલીસ દ્વારા દંડ પેઠે વસૂલાતી જંગી રકમ છતા પણ અમદાવાદીઓમાં ટ્રાફિક નિયમોને લઈ હજુ પર્યાપ્ત જાગૃતિ નહીં. પ્રાપ્ત માહિતી મુજબ ડફનાળા 4 રસ્તા પર ગ્રીન કોરીડોરમાં નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. સરકારી વાહનના ડ્રાઇવરોને જ ગ્રીન કોરીડોર અંગે ખબર નથી. ‘સંદેશ ન્યૂઝ’ સમક્ષ સરકારી વાહનના ડ્રાઇવરોએ આ કબૂલાત કરી છે.
આપને જણાવી દઈએ કે ગ્રીન કોરિડોર મેડિકલ ઈમરજન્સી માટે ખુલ્લો રાખવાનો હોય છે. વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં આવે છે. પરંતુ અજાણતા અને કાયદાની અજ્ઞાનતાના કારણે ગ્રીન કોરીડોરના નિયમોનું ઉલ્લંઘન થાય છે. ડફનાળા 4 રસ્તા પર કેટલાક લોકો ગ્રીન કોરીડોરમાં વાહનો રાખે છે.