બીજેપી નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટના મોત મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. ગોવા પોલીસે દાવો કર્યો છે કે સોનાલી ફોગાટના ડ્રિંકમાં કંઈક ભેળવવામાં આવ્યું છે. એટલું જ નહીં, પોલીસનું કહેવું છે કે આવું કરનાર બે લોકોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. ગોવાના આઈજી ઓમવીર સિંહ બિશ્નોઈએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજમાં સોનાલી ફોગાટ તેના સહયોગી સુધીર સાંગવાન અને સુખવિંદર સિંહ સાથે ક્લબમાં પાર્ટી કરી રહી હતી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બેમાંથી એક વ્યક્તિએ સોનાલી ફોગટને ડ્રિંક પીવા માટે દબાણ કર્યું હતું.
મીડિયા સાથે વાત કરતા બિશ્નોઈએ કહ્યું કે પૂછપરછ દરમિયાન સુધીર સાંગવાન અને સુખવિંદર સિંહે કબૂલ્યું છે કે તેઓએ ફોગટના પીણામાં જાણીજોઈને કેમિકલ ભેળવ્યું હતું. જે બાદ તેને બળજબરીથી પીણું આપવામાં આવ્યું હતું. સોનાલી ફોગાટને 23 ઓગસ્ટે સેન્ટ એન્થોની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે સોનાલી ફોગાટનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. પરંતુ થોડા કલાકો પછી વાર્તા પલટાઈ, જ્યારે પરિવારના સભ્યોએ કહ્યું કે તે એકદમ ફિટ છે અને તેને હાર્ટ એટેક આવી શક્યો નથી. તેના પરિવારજનોએ પણ આ હત્યા તેના સાથીઓએ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
સોનાલીના પરિવારજનોના આક્ષેપ બાદ જ પોલીસ હત્યાનો કેસ નોંધીને નવા એંગલથી તપાસ કરી રહી છે. હાલ પોલીસે સોનાલીના બંને સહયોગીઓને કસ્ટડીમાં લીધા છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે સોનાલી ફોગાટના પતિનું પણ થોડા વર્ષો પહેલા શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હતું. હાલમાં સોનાલી ફોગાટનો હિસારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જણાવી દઈએ કે સોનાલી ફોગાટ હરિયાણાની આદમપુર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી હતી. તેને ટિકટોકના કારણે લોકપ્રિયતા મળી અને તેના કારણે જ તેણે રાજકારણમાં પ્રવેશ કર્યો.