નવી દિલ્હી : ભાગેડુ દારૂ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ભારતમાં પ્રત્યાર્પણના હુકમ સામે યુકે હાઇકોર્ટમાં કેસ ગુમાવ્યા બાદ કહ્યું હતું કે તે ‘નિરાશ’ છે, પરંતુ તેમના વકીલોની સલાહ મુજબ કાયદાકીય ઉપાયો કરવાનું ચાલુ રાખશે. ભૂતપૂર્વ કિંગફિશર એરલાઇન્સના બોસે પુનરોચ્ચાર કર્યો હતો કે તેમણે ભારતીય બેંકોને બાકી લોનની રકમ ચૂકવવાની ઓફર કરી હતી, પરંતુ તે દરખાસ્તને બેંકોએ નકારી કાઢી હતી.
માલ્યાએ કહ્યું કે ‘હું હાઈકોર્ટના ચુકાદાથી રીતે નિરાશ છું. હું મારા વકીલોની સલાહ મુજબ કાયદાકીય ઉપાયો કરવાનું ચાલુ રાખીશ. તેમણે કહ્યું, ‘મેં આખી રકમ બેંકોને ફરીથી ચુકવવાની ઓફર કરી છે, પરંતુ દુર્ભાગ્યે કોઈ ફાયદો થયો નથી.’
માલ્યાની હાઈકોર્ટમાં અપીલ નામંજૂર થયા પછી, તેમની પાસે હવે બ્રિટિશ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે 14 દિવસનો સમય છે. માલ્યાએ વધુ કાનૂની ઉપાયો લેવાનો સંકેત આપ્યો હોવાથી, યુકેના ગૃહ વિભાગ માલ્યાના ભારત પ્રત્યાર્પણ પ્રત્યે પ્રારંભ થાય તે પહેલાં તે અપીલના પરિણામની રાહ જોશે. માલ્યા માર્ચ 2016 થી યુકેમાં છે અને પ્રત્યાર્પણ વોરંટ પર ધરપકડના પગલે એપ્રિલ 2017 થી જામીન પર છે.