રિયલ એસ્ટેટ સુપરટેકને શુક્રવારે રૂ. 432 કરોડની જવાબદારીમાં ડિફોલ્ટ કર્યા બાદ નાદાર જાહેર કરવામાં આવી હતી. જેના કારણે લગભગ 25 હજાર ઘર ખરીદનારાઓ સામે ફરી એકવાર સંકટ ઉભું થયું છે. આ લોન ડિફોલ્ટમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રેટર નોઈડા વેસ્ટમાં સુપરટેક ઈકો વિલેજ 2 પ્રોજેક્ટ માટે આપવામાં આવેલી લોનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટનો ખર્ચ 1106.45 કરોડ રૂપિયા છે. દસ્તાવેજો પરથી આ માહિતી બહાર આવી છે. એક વર્ષમાં સુપરટેક માટે આ બીજો આંચકો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા શુક્રવારે સુપરટેકને નાદાર જાહેર કરવામાં આવી હતી. જેના કારણે સુપરટેકના દિલ્હી-એનસીઆર વિસ્તારમાં લગભગ 25 હજાર ઘર ખરીદનારાઓને ફ્લેટ મળવા પર ફરી એક ગંભીર પ્રશ્નાર્થ ચિન્હ ઊભો થયો છે.
પ્રોજેક્ટમાં આશરે 25,000 જેટલા હોમબાયરોએ મકાન-ફ્લેટનું બુકિંગ કરાવ્યુ હતુ અને તેની માટે લાખો રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ પણ ચૂકવ્યુ હતુ જો કે ઘણા વર્ષો વિત્યા બાદ પણ તેમને મકાન/ફ્લેટનું પઝેશન હજી સુધી મળ્યુ નથી. હવે સુપરટેકને નાદારી માટે ધકેલવામાં આવતા આ હોમબાયર્સ સામે ‘બેઘર’ થવાની નોબત સર્જાઇ છે.
એનસીએલટી એ સુપરટેક માટે ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે હિતેશ ગોયલની નિમણુંક કરી છે. ટ્રિબ્યુનલે આ કેસમાં પોતાનો ચૂકાદો 17 માર્ચે અનામત રાખ્યો હતો. તેની પહેલા યુનિયન બેન્કે વન-ટાઇમ સેટલમેન્ટનો પ્રસ્તાવ ફગાવ્યો હતો.
એક વાર કોઇ કંપની સામે કોર્પોરેટ રિઝોલ્યુશનની પ્રક્રિયા શરૂ થયા બાદ તમામ સિવિલ, કન્ઝ્યુમર, રેરા સંબંધિત કેસ અધવચ્ચે અટકી જશે. બીજા શબ્દોમાં કહીયે તો નાદારીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ હોમબાયર્સને તેમના ઘરનું પઝેશન મળશે. ઉત્તર ભારતમં સુપરટેક કંપની અગ્રણી રિયલ્ટી ડેવલપર મનાય છે. વર્ષ 2015માં સુપરટેક વિરુદ્ધ પોલિસી ફરિયાદ બાદ તેનો મુશ્કેલ સમય શરૂ થયો.
સુપરટેક નાદારી કોર્ટમાં ધકેલવામાં આવનાર પહેલી રિયલ્ટી કંપની નથી. આ અગાઉ નાદારી કાર્યવાહીનો સામનો કરનાર રિય્લટી કંપનીઓમાં જેપી ઇન્ફ્રાટેક, આમ્રપાલી, એચડીઆઇએલ, એસ્સાર ગ્રૂપની ઇપીસી કંપનીનો સમાવેશ થાય છે.