નવી દિલ્હી : કોરોના વાયરસ વિનાશની વચ્ચે સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટીઓમાં અંતિમ વર્ષની પરીક્ષાઓને મંજૂરી આપી દીધી છે. જો કે, કોરોનાથી પ્રભાવિત વિસ્તારોમાં કેટલીક છૂટ આપવામાં આવી શકે છે. આ અંગે જે તે યુનિવર્સીટી સંચાલકો નિર્ણય લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના ભારતમાં પગપેસારાની સાથે જ દેશમાં તમામ શૈક્ષણિક કાર્ય બંધ છે. પ્રાથમિક તેમજ માધ્યમિક ધોરણોમાં ગ્રેડિંગ આપીને વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં બઢતી આપી દેવામાં આવી છે. આ માટે કોઈ પરીક્ષા લેવામાં આવી નથી. જે બાદ નવા વર્ષના અભ્યાસ માટે ઓનલાઇન પદ્ધતિથી શૈક્ષણિક કાર્ય શરુ છે.
યુનિવર્સિટીઓમાં અંતિમ વર્ષની પરીક્ષાઓને મંજૂરી આપવાની સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પ્રમોશન ન આપી શકાય. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે, રાજ્યો UGC જોડે વાત કરી પરીક્ષાની તારીખ નક્કી કરે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં સપ્ટેમ્બરમાં યોજાનારી NEET અને JEEની પરીક્ષાને લઈને વિરોધ ચાલી રહ્યો છે. કોરોનાની સ્થિતિને જોતા કેટલાક વિદ્યાર્થીઓ સહીત કોંગ્રેસ પાર્ટી પણ આ બંને પરીક્ષા મોકૂફ રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાનું વિચારી રહી છે. તેવા સમયે સુપ્રીમ કોર્ટના આવેલો આ નિર્ણય મહત્વ પૂર્ણ કહી શકાય. જોકે, આ બંને પરીક્ષા યોજવા માટે શૈક્ષણિક જગતે સમર્થન આપી વડાપ્રધાનને રજુઆત કરી છે.