હાર્દિક પટેલનr લોકસભા ચૂંટણી લડવાની આશા પર પાણી ફરી વળ્યુ છે. કારણ કે લોકસભા ચૂંટણી લડવા મુદ્દે હાર્દિકની અરજી પર તાત્કાલીક સુનાવણીનો સુપ્રીમે ઈન્કાર કર્યો છે. અને સુપ્રીમ કોર્ટ આગામી ચાર તારીખે સુનાવણી હાથ ધરવાની છે. બીજી તરફ જોઈએ તો ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પણ ચાર એપ્રીલ જ છે. આમ હાર્દિક પટેલના લોકસભા ચૂંટણી લડવાના ઓરતા પર પાણી ફરી વળ્યું છે.
ગઈકાલે હાર્દિકે અરજીમાં કહ્યું છે કે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ચાર એપ્રિલ છે એટલે કોર્ટ તે પહેલા આ સુનાવણી પર પોતાનો નિર્ણય આપે. ઉલ્લેખનીય છે કે વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના ગુનામાં કોર્ટે ફરમાવેલી સજા પર સ્ટે મુકવાની હાર્દિકની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
હાઇકોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે હાર્દિકના વકીલની પુરાવા નથી એ વાત સ્વીકારી શકાય નહિ. હાઇકોર્ટે ઓર્ડરમાં નોંધ્યું છે કે હાર્દિક વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક ફરિયાદ નોંધાઈ છે. કોર્ટને આપેલી બાંયધરી બાદ પણ હાર્દિક વિરુદ્ધ 17 FIRનો હાઇકોર્ટે ઓર્ડરમાં ઉલ્લેખ કર્યો છે.