Supreme Court મમતા સરકારને ત્રણ મહિના મળ્યાં, ઓગસ્ટમાં ફરીથી સુનાવણી
Supreme Court સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને રાજ્યના સરકારી કર્મચારીઓને બાકી રહેલા 25% મોંઘવારી ભથ્થાં (DA) ત્રણ મહિનાની અંદર ચૂકવવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ સંજય કરોલ અને સંધીપ મહેતાની ખંડપીઠે આ મુદ્દે વચગાળાનો આદેશ આપતાં જણાવ્યું કે DA માત્ર લાભ નહીં, પણ કર્મચારીઓનો અધિકાર છે.
આ નિર્ણય રાજ્યના હજારો કર્મચારીઓ માટે ઘણો મહત્વપૂર્ણ છે, જે છેલ્લા કેટલાય વર્ષોથી પોતાનો હક મેળવવા લડી રહ્યાં છે.
DA મુદ્દે લાંબી કાનૂની લડતનો અંત
DA ચુકવણીને લઈને રાજ્ય સરકાર અને કર્મચારીઓ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પ્રથમ ટ્રિબ્યુનલ, ત્યારબાદ હાઈકોર્ટ અને આખરે સુપ્રીમ કોર્ટ સુધી આ મુદ્દો પહોંચી ગયો હતો. હવે, સુપ્રીમ કોર્ટના આ અંતિમ નિર્દેશને રાજ્યના કર્મચારીઓ માટે એક ઐતિહાસિક જીત તરીકે જોવામાં આવી રહ્યો છે.
સુવેન્દુ અધિકારીએ કહ્યું – “કર્મચારીઓની વિજયગાથા”
પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ આ ચુકાદા પર પ્રતિસાદ આપતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું કે, “આ મમતા બેનર્જી સરકાર સામે લડનાર લાખો કર્મચારીઓની મહેનતનું પરિણામ છે.” તેમણે કહ્યું કે “મમતા બેનર્જી જેઓએ કહેલું કે DA કોઈ અધિકાર નથી, આજે સુપ્રીમ કોર્ટે તેનું ખંડન કર્યું છે.”
તેમણે ભાજપ સંકળાયેલા રાષ્ટ્રવાદી પશ્ચિમ બંગાળ સરકારી કર્મચારી સંઘ અને વકીલોની ટીમ, ખાસ કરીને પરમજીત સિંહ પટવાલા અને બાંસુરી સ્વરાજનું આભાર માન્યું, જેમણે આ કાનૂની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
ઓગસ્ટમાં રહેશે અગત્યની સુનાવણી
સુપ્રીમ કોર્ટએ આ મામલાની આગામી સુનાવણી ઓગસ્ટ 2025માં રાખી છે, જ્યાં સરકારે આદેશ અનુસાર પગલાં લીધાં છે કે કેમ તે તપાસાશે. જો સરકાર આ સમયમર્યાદામાં DA ચૂકવવામાં નિષ્ફળ રહેશે, તો કોર્ટ વધુ કડક પગલાં લઈ શકે છે.