Supreme Court અમારા ખભા મજબૂત છે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિશિકાંત દુબે વિરુદ્ધ અવમાનના અરજી ફગાવી
Supreme Court પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદાને લઇ હિંસા બાદ વિવાદાસ્પદ નિવેદન આપનાર ભાજપના સાંસદ નિશિકાંત દુબે વિરુદ્ધ દાખલ અવમાનનાની અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. દેશના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સાવધાન શબ્દોમાં કહ્યું કે, “અમારા ખભા મજબૂત છે, અને અમે આવા પ્રકારની અરજી પર વિચાર કરવા માંગતા નથી.”
અરજદાર વકીલ વિશાલ તિવારીએ દલીલ આપી હતી કે દુબેના નિવેદનથી ન્યાયાલયની અને ન્યાયાધીશોની અપમાનજનક છબી રજૂ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, “આવો નિવેદન સમગ્ર ન્યાયપ્રણાલી સામે ચેલેન્જ છે અને અદાલતની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડે છે.” છતાં, સુપ્રીમ કોર્ટે અરજીને મહત્વ ન આપતાં ટૂંકા આદેશમાં તેને રદ્દ કરી દીધી હતી.
વિશાળ તિવારીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, દુબે દ્વારા આપેલા નિવેદન — જેમાં કહ્યું હતું કે “જો સુપ્રીમ કોર્ટ કાયદો બનાવે તો પછી સંસદ બંધ કરી દેવી જોઈએ” — તે અદાલતની પરંપરા અને નિયમોની અવહેલના કરે છે. તેમ છતાં, અદાલતે આ મામલે વધારે ચર્ચા કરવાની જરૂરિયાત ન ગણાવી.
ભાજપે પોતાની પાટી તરફથી નિવેદન આપીને દુબે અને રાજ્યસભાના સાંસદ દિનેશ શર્માના નિવેદનોથી પોતાને અલગ રાખ્યા હતા. પાર્ટીએ સ્પષ્ટ કર્યું કે આ નિવેદનો નેતાઓના વ્યક્તિગત છે અને પાર્ટીની નિતિનું પ્રતિનિધિત્વ કરતાં નથી.
આ કેસની સાથે એક અન્ય મહત્વપૂર્ણ ટિપ્પણી જસ્ટિસ બી.આર. ગવઈ તરફથી સામે આવી, જેમણે એક અન્ય અરજીની સંદર્ભમાં જણાવ્યું કે અદાલત પર વારંવાર કારોબારી સત્તામાં દખલ કરવાનો આરોપ મુકવામાં આવે છે, જે સત્યથી દુર છે.
આ સમગ્ર પ્રકરણમાં સુપ્રીમ કોર્ટની સંયમપૂર્ણ અને પરિપક્વતા દર્શાવતી પ્રતિક્રિયા એ ન્યાયિક સ્વતંત્રતાની મજબૂતતા અને ગૌરવના પ્રતિબિંબરૂપ છે.