સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે આજે સુનાવણીના છેલ્લા દિવસે બંને પક્ષો વચ્ચે ભારે તડાફડી જોવા મળી હતી. એક તબક્કે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને હિન્દુ મહસભાના વકીલે રજૂ કરેલો નકશો કોર્ટમાં જ ફાડી નાંખતા સુનાવણી કરી રહેલા ન્યાયાધીશો પણ ચોંકી ઉઠ્યા હતા.
મળતી વિગતો પ્રમાણે હિન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહે પોતાનો પક્ષ રજૂ કરતી વખતે એક પુસ્તક રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેની સામે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને આપત્તિ વય્ક્ત કરી હતી.તેમણે કહ્યુ હતુ કે, જો આ પુસ્તક રજૂ કરાયુ તો તેને લગતા સવાલોના જવાબ હું નહી આપું. તેના પર ચીફ જસ્ટિસે કહ્યુ હતુ કે, બરાબર છે. તમે જવાબ ના આપતા.
વાત એમ હતી કે, હિન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહે વધારાના દસ્તાવેજ દરીકે પૂર્વ આઈપીએસ ઓફિસર કિશોર કુણાલનુ એક પુસ્તક જજોની બેન્ચને આપ્યુ હતુ. વિકાસ સિંહે કહ્યુ હતુ કે હું એક નકશો બતાવવા માંગુ છું.જેના પર રાજીવ ધવને વાંધો ઉઠાવતા કહ્યુ હતુ કે, આ નકશો પણ પુસ્તકનો જ હિસ્સો છે. જેને રજુ કરવાની મંજુરી અપાય નથી.આવુ કહીને રાજીવ ધવને આ નકશો જ ફાડીને તેના પાંચ ટુકડા કરી નાંખ્યા હતા.
રાજીવ ધવને કહ્યુ હતુ કે, તમે કોર્ટને મજાક બનાવી દીધી છે. તો સામે વિકાસ સિંહે જવાબ આપ્યો હતો કે, મજાક તો તમને બનાવી રહ્યા છો. વિકાસ સિંહે આ સિવાય ઓક્સફોર્ડના એક પુસ્તકનો હવાલો આપીને વિવાદાસ્પદ સ્થળ જ ભગવાન રામનુ જન્મસ્થાન હોવાનુ કહ્યુ હતુ,સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, ઓરંગઝેબ એક ક્ટ્ટર શાસક હતો.
દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ એક તબક્કે રોષે ભરાયા હતા.તેમણે કહ્યુ હતુ કે, અમારી તરફથી તો બંને પક્ષોની દલીલો પૂરી થઈ ગઈ છે.અમે તમને એટલે સાંભળી રહ્યા છે કે, કોઈને હજી કશું કહેવુ હોય તો કહી દે. અમે તો હમણા પણ ઉભા થઈને જતા રહી શકીએ છે.