પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને સુપ્રીમ કોર્ટમાં આધાર મામલે મોટી લપડાક પડી છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુનાવણી કરતા ખુબ જ આકરી ટીપ્પણીઓ કરી. કોર્ટે કહ્યું કે ”સંસદ દ્વારા પસાર થયેલા કાયદાનો ભંગ કેવી રીતે કરી શકાય? મોબાઈલ ફોનને આધાર સાથે લિંક કરવા વિરુદ્ધ મમતા સરકારે સર્વોચ્ચ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મોબાઇલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની વિરુદ્ઘ યાચિકા પર સુપ્રીમ કોર્ટે સરકાર અને મોબાઇલ કંપનીઓને નોટિસ પણ પાઠવી છે.
સરકારી યોજનાઓમાં આધારને અનિવાર્ય કરવા વિરુદ્ધ પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુપ્રીમે નારાજગી વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, ”જો રાજ્યના મુખ્યમંત્રીને કોઈ પરેશાની છે તો તેઓ સામાન્ય માણસની જેમ અરજી દાખલ કરે. સરકારી પદનો ઉપયોગ કરીને અરજી કરવું યોગ્ય નથી.” કોર્ટે એમ પણ કહ્યું કે, જો આમ થશે તો રાજ્યના બનાવેલા કાયદાને કેન્દ્ર પણ પડકારશે.
મમતા બેનરજીએ આધાર લિંકને જરૂરી કરવા બાબતને ભાજપ અને કેન્દ્રની રાજનીતિ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે હું જનતાને અપીલ કરું છું કે આધારને ફોન સાથે લિંક ન કરે. આ તો લોકોની પ્રાઈવસી પર સીધો પ્રહાર છે. તેમણે લોકોને વિરોધ કરવાની પણ અપીલ કરી હતી.