Supreme Court: સુપ્રીમ કોર્ટે ઇમરાન પ્રતાપગઢીની અરજી પર ચુકાદો અનામત રાખ્યો, FIR રદ્દ કરવાને લઈ ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકાર્યો
Supreme Court: સુપ્રીમ કોર્ટે ગુજરાતના જામનગરમાં ‘ઉશ્કેરણીજનક’ ગીતનો સંપાદિત વીડિયો પોસ્ટ કરવાના આરોપસર નોંધાયેલા કેસમાં કોંગ્રેસના સાંસદ અને શાયર ઇમરાન પ્રતાપગઢી સામેની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. સોમવારે ઇમરાન પ્રતાપગઢીની અરજી પર ફરી સુનાવણી થઈ, જેમાં તેમણે FIR રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કર્યા બાદ કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો છે.
છેલ્લી સુનાવણીમાં ન્યાયાધીશ અભય એસ. ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાની બેન્ચે તેમની અરજી પર સુનાવણી કરી. સુનાવણી દરમિયાન કોર્ટે ગુજરાત પોલીસને પણ ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈમરાનને રાહતનો સંકેત આપતા કહ્યું કે તેમણે જે પોસ્ટ કર્યું તે માત્ર એક કવિતા હતી.
હકીકતમાં, ગુજરાતના જામનગરમાં આયોજિત સમૂહ લગ્ન સમારોહ દરમિયાન ‘ભડકાઉ’ ગીત ગાવાના આરોપમાં 3 જાન્યુઆરીએ પ્રતાપગઢી વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. કોંગ્રેસ લઘુમતી સેલના રાષ્ટ્રીય પ્રમુખ પ્રતાપગઢી પર ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં કલમ 196 (ધર્મ, જાતિ, વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) અને કલમ 197 (આરોપ, રાષ્ટ્રીય એકતા માટે પ્રતિકૂળ દાવાઓ)નો સમાવેશ થાય છે.
પ્રતાપગઢી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરાયેલી 46 સેકન્ડની વીડિયો ક્લિપમાં તેમને હાથ હલાવતા, ચાલતા દેખાતા હતા, જ્યારે તેમના પર ફૂલોની પાંખડીઓનો વરસાદ કરવામાં આવતો હતો અને બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું હતું. FIRમાં જણાવાયું છે કે ગીતના શબ્દો ઉશ્કેરણીજનક, રાષ્ટ્રીય એકતા માટે હાનિકારક અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારા છે.