નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક કેસની સુનાવણી દરમિયાન અનામત અંગે મોટી ટિપ્પણી કરી હતી. તમિળનાડુમાં NEET પોસ્ટ ગ્રેજ્યુએશન રિઝર્વેશન કેસમાં કોર્ટે કહ્યું કે અનામત એ મૂળભૂત અધિકાર નથી. આ સાથે જ કોર્ટે તમિલનાડુમાં અનેક રાજકીય પક્ષો દ્વારા દાખલ કરેલી અરજી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.
હકીકતમાં, ડીએમકે-સીપીઆઇ-એઆઈએડીએમકે સહિત તમિલનાડુના ઘણા પક્ષોએ NEET હેઠળ મેડિકલ કોલેજોની બેઠકો માટે તમિળનાડુમાં 50 ટકા ઓબીસી અનામત મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 11 જૂન, ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસમાં કોનો મૂળભૂત અધિકાર છીનવાયો છે? તમારી અરજીઓથી એવું લાગે છે કે તમે ફક્ત તમિલનાડુના કેટલાક લોકોની સુખાકારી વિશે જ વાત કરી રહ્યા છો. ડીએમકે વતી કોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે અમે કોર્ટને વધુ અનામત ઉમેરવા માટે કહી રહ્યા નથી, પરંતુ ત્યાં જે છે તે અમલમાં મૂકવા માટે કહી રહ્યા છીએ.
દરમિયાન જસ્ટિસ રાવે કહ્યું કે અનામત એ મૂળભૂત અધિકાર નથી, તમે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લો અને તેને હાઇકોર્ટમાં ફાઇલ કરો.