સ્વર્ગસ્થ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજે પોતાની માતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી દીધી છે. નોંધનીય છે કે હોસ્પિટલ જતા પહેલા સુષ્મા સ્વરાજે સીનિયર વકીલ હરીશ સાલ્વે સાથે વાતચીત કરી હતી અને સુષ્મા ઈચ્છતી હતી કે સાલ્વે કુલભૂષણ જાધવના કેસમાં ઈન્ટનેશનલ કોર્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પોતાની ફી સ્વરૂપે એક રૂપિયો લેવા માટે આવે. પરંતુ તેમનું મૃત્યું થઈ ગયું અને તેમની તે અંતિમ ઈચ્છા અધુરી જ રહી ગઈ. જેને તેમની દીકરીએ શુક્રવારના રોજ પૂર્ણ કરી હતી.
સુષ્મા સ્વરાજના પતિ અને મિઝોરમના પૂર્વ ગવર્નર સ્વરાજ કૌશલે જણાવ્યું કે, ‘અમારી દીકરી બાંસુર સ્વરાજે મિસ્ટર સાલ્વે સાથે શુક્રવારના રોજ મુલાકાત કરી હતી અને તેમને કુલભૂષણ જાધવનો કેસ લડવા માટેની એક રૂપિયાની ફી પણ ચૂકવી હતી.’
હરીશ સાલ્વેએ 6 ઓગસ્ટની સાંજે સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજ સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે ‘સુષ્માજી ખૂબ જ સારી રીતે બધાની સાથે વાતચીત કરતા હતા અને હંમેશા ખૂબ જ ખુશ રહેતા હતા. તેમણે મને તેમની સાથેની અંતિમ વતચીતમાં પણ પૂછ્યું હતું કે હું કેમ તેમને મળવા નથી આવતો. ત્યારે મેં તેમને કહ્યું હતું કે હું ખૂબ જ જલ્દી તમને મળવા આવીશ. ત્યારબાદ સુષ્માજીએ મને કહ્યું હતું કે હા, તમારે આવવું જ પડશે કારણ કે મારે તમને તમારી ફી ચૂકવવી છે. તમે ક્યારેક જાહેરમાં એવું કહ્યું હતું કે કે મને મારી ફીનો એક રૂપિયો પણ હજી સુધી નથી આપવામાં આવ્યો, તેથી હું તમને જાધવ કેસની ફી પેટે એક રૂપિયો આપવા માગુ છું.’