વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખુદના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં જાજરૂ બાંધવાની યોજનામાં ગોલમાલ થઇ હોવાની ચોંકાવનારી માહિતી પ્રગટ થઇ હતી.
વારાણસીના શહેરી તથા ગ્રામ વિસ્તારોના બે લાખ 76 હજાર ઘરોમાં જાજરૂ બાંધવા સરકારે આર્થિક મદદ કરી હતી જેથી ખુલ્લામાં ઝાડે ફરવા જવાની બિનઆરોગ્યપ્રદ પરંપરા નષ્ટ કરી શકાય. આ વિસ્તારમાં જાજરૂને ઇજ્જતઘર જેવું રૂપાળું નામ આપવામાં આવ્યું હતું.
યોજનાના અમલ માટે 350 નોડલ અધિકારી નીમવામાં આવ્યા હતા જે આ યોજનાના અમલ પર નજર રાખે. તપાસ દરમિયાન એવી માહિતી મળી હતી કે મોટા ભાગના લોકોએ સરકારી પૈસા જાજરૂ બાંધવાને બદલે અન્ય કામોમાં વાપરી નાખ્યા હતા.
હવે દોષિતો સામે એફઆઇઆર નોંધવાની શરૂઆત થઇ હતી. દોષિતો સામે કાયદેસર કામ ચલાવવામાં આવશે એેવી જાહેરાત સંબંધિત અધિકારીએ કરી હતી. વારાણસી શહેરી વિસ્તારમાં છ હજાર ઘરોમાં ઓછામાં ઓછાં 900 ઘરો એવાં હતાં જેમાં જાજરૂ બાંધવામાં આવ્યાં નથી. ગ્રામ વિસ્તારમાં ખાસ કરીને મહેંદીપુરમાં જાજરૂના પૈસાની ગોલમાલ થઇ હોવાની ફરિયાદ વ્યાપક બની હતી.
હવે 350 નોડલ અધિકારીઓને 2,76,000 ઘરોની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દોષિતોને જેલની સજા કરવા ઉપરાંત તેમને ઇજ્જતઘર બનાવવા માટે અપાયેલા પૈસા પાછા વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવશે.