અમેરિકામાં સક્રિય ખાલિસ્તાન સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’એ એક વાર ફરી ભારત વિરુદ્ધ નાપાક ષડયંત્ર રચ્યું છે. આ આતંકી સંગઠને જાહેરાત કરી છે કે જો કોઈ 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પર ખાલીસ્તાની ઝંડો લહેરાવે છે તો તેને 125,000 ડોલરનું ઇનામ આપવામાં આવશે. શીખ ફોર જસ્ટિસના આ એલાન બાદ દિલ્હી પોલીસે પોતાની સતર્કતા વધારી દીધી છે.
ખાલીસ્તાની આતંકી છે ગુરુપતવંત સિંહ પન્નુન
શીખ ફોર જસ્ટિસના સુપ્રીમો ગુરુપતવંત સિંહ પન્નુને એક નિવેદન જાહેર કરીને દાવો કર્યો છે કે 15 ઓગસ્ટ શીખો માટે સ્વતંત્રતા દિવસ નથી. તેણે કહ્યું કે આ દિવસ તેમને 1947માં ભાગલા સમયે થાયેલ કત્લેઆમની યાદ અપાવે છે. તેને વધુમાં કહ્યું છે કે અમારા માટે કઈ જ નથી બદલાયું. બદલાયા છે તો માત્ર શાસક. અમને આજે પણ ભારતીય સંવિધાનમાં હિન્દૂ તરીકે ગણવામાં આવે છે અને પંજાબના સંસાધનોનો ઉપયોગ અન્યાયપૂર્ણ રીતે અન્ય રાજ્યો માટે કરવામાં આવે છે. અમારે વાસ્તવિક સ્વતંત્રતાની જરૂર છે.
ગુરુપતવંત સિંહ પર કસાઈ રહ્યો છે ગાળિયો
ખાલીસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પર છેલ્લા 2 મહિનાથી કાનૂની ગાળિયો કસાતો જઈ રહ્યો છે. સિંહ અને તેના સાથીદારો વિરુદ્ધ 6 એફઆઈઆર નોંધવામાં આવી છે. તે છેલ્લા ઘણા સમયથી કોરોના સંકટ વચ્ચે રાજનીતિક જનમત સંગ્રહ કરવાની માંગ કરી રહ્યો છે. તે ફોન અને ઇમેઇલ કરીને શીખ સમુદાય માટે અલગ રાજ્ય બનાવવાની માંગ કરી રહ્યો છે.