વોશિંગ્ટન: અમેરિકામાં 9/11 આતંકી હુમલાની તારીખે આમ તો અત્યાર સુધી ઘણા બાળકોનો જન્મ થયો છે, પણ આ વર્ષે આ તારીખે જન્મેલા બાળકે સૌ કોઈને ચોંકાવી દીધા છે. જર્મનટાઉનની હોસ્પિટલમાં આ જ દિવસે 9:11 વાગ્યે એક બાળકીનો જન્મ થયો છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે આ બાળકીનું વજન પણ 9 પાઉન્ડ 11 ઓઝ એટલે કે 4.4 કિલોગ્રામ છે.
બાળકીની માતા કેમેટ્રિયન અને પિતા જસ્ટિન બ્રાઉનનું કહેવું છે કે, અમારા માટે અમારી દીકરીનો જન્મ કોઈ ચમત્કારથી ઓછો નથી. દીકરીનું નામ અમે ક્રિસ્ટિનિયા રાખ્યું છે. જ્યારે તે મોટી થશે ત્યારે તેની બર્થડેટનું મહત્ત્વ સમજી શકશે.
હોસ્પિટલમાં મહિલા સેવા વિભાગની પ્રમુખ રશેલ લોફલીને કહ્યું કે, આવા સંજોગ ક્યારેક જ થાય છે. હું આ હોસ્પિટલમાં છેલ્લા 35 વર્ષથી કામ કરી રહું છું. પ્રથમવાર મેં તારીખ અને વજનના આંકડાનો આ રીતનો સંયોગ જોયો. ઉલ્લેખનીય છે કે, 11 સપ્ટેમ્બર 2001માં અમેરિકામાં થયેલા આતંકી હુમલામાં 3 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા.