ભોપાલના સ્થાનિકોની જેમ સૌને ક્રિએટિવિટી વાપરવાની જરૂર છે. મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં આઈ-ક્લિન ટીમને રસ્તા પર કોઈકે મારેલી પાનની પિચકારીથી નફરત છે. આ ટીમ દર રવિવારે હાથમાં પેન્ટિંગ કલર લઈને ઊપડી પડે છે, અત્યાર સુધીમાં તેઓ શહેરની 300 દીવાલોની સૂરત બદલી ચૂક્યા છે. વર્ષ 2013માં 6 લોકોના ગ્રુપે “આઈ-ક્લિન ભોપાલ” અભિયાનની શરૂઆત કરી હતી. અત્યાર સુધી આ ગ્રુપના 200 થી વધારે લોકો સભ્યો બની ચૂક્યા છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, “આઈ-ક્લિન ભોપાલ” ને સરકારી સંસ્થાએ પણ વખાણ કર્યા છે. આ ગ્રુપની મેમ્બર કલ્પનાએ કહ્યું કે, રસ્તા પરની ગંદકી જોઈને મને લાગતું હતું કે મારે કંઈક કરવું જ જોઈએ, શહેરને ચોખ્ખું રાખવું એ આપણા સૌની જવાબદારી છે. અમે 6 લોકોએ ભેગા મળીને બનાવેલ ગ્રુપની સંખ્યા આજે 200 થઈ ગઈ છે. ભોપાલ “આઈ-ક્લિન ટીમ” ના મેમ્બર રવિવારે અમુક કલાકનો સમય શહેરના રસ્તાને ચોખ્ખા કરવા પાછળ વિતાવે છે. પેન્ટિંગનો ખર્ચો કાઢવા માટે દર મહિને દરેક સભ્ય 50 રૂપિયાનું યોગદાન આપે છે. ગરમીની સીઝનમાં આ ટીમ રસ્તા પર સવારે 6 વાગ્યે અને ઠંડીમાં 10 વાગ્યે પહોંચી જાય છે. શરૂઆતમાં કલ્પના આ દરેક સભ્યોને ચા-નાસ્તો પણ કરાવતી હતી.આ ગ્રુપની ખાસિયત એ છે કે, તેમાં જોડાવવા માટે ઉંમરની કોઈ પણ પાબંધી નથી, કોઈ પણ ઉંમરના વ્યક્તિ જોડાઈને પોતાની કળાથી રસ્તાની સૂરત બદલી શકે છે.