સોની બજારમાં પ્રવર્તી રહેલી મંદી બાદ લોકડાઉનને લઈને એક મહિનાથી સોની બજાર બંધ છે જેને કારણે સોનું ઘડતા લાખો કારીગરો બેકાર બની બેસી રહ્યા છે. અત્યંત મધ્યમવર્ગીય કારીગરોની સ્થિતિ ખૂબ જ દયનીય બની રહી છે. ઘણા પરિવારો ને તો ખાવાના પણ ફાંફા પડી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે, કેટલાક જ્વેલર્સ પોતાના સંપર્કમાં હોય તેવા કારીગરોને આર્થિક મદદ કરી રહ્યા છે પરંતુ પેટા કારીગરો કે જે કોઈ જ્વેલર્સના સંપર્કમાં જ નથી તેમની સ્થિતિ દયનીય બની છે. સોનુ ઘડતા કારીગરોના સંગઠન દ્વારા આ મુદ્દે તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં તેમને કોઈ જ સહાય મળી નથી. ભારત દેશમાં અમદાવાદનું સોની બજાર પ્રખ્યાત છે. અમદાવાદના સોની બજારની જાકમજોળને કેટલાક મહિનાઓથી જાણે કે ગ્રહણ લાગી ગયું છે. ગુજરાતમાં સોનુ કરવાનું કામ કરતા ત્રણ લાખ પરિવારો છે જે પૈકી 1 લાખ પરિવારો માત્ર અમદાવાદમાં છે, સોની બજારની મંદીને કારણે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો વતન ચાલ્યા ગયા હતા અને હાલ જે પરિવારો વસે છે તેમાં પંદરેક હજાર પરિવારો રોજનું રળીને રોજનું ખાવાવાળા છે, તેમને તો કામ મળતું બંધ થઈ જતાં આવક બંધ થઈ ગઈ છે. જ્વેલર્સ પોતાના સંપર્કમાં હોય કે પોતાનું કામ કરતા હોય તેવા કારીગરોની મદદ કરી રહ્યા છે પરંતુ જો પેટા કારીગર તરીકે કામ કરતા હોય છે તેમને કોઈ ઓળખતું નથી માટે તેમને મદદ મળતી નથી.