2027 માં દેશને મળશે પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ, જાણો જસ્ટિસ બી.વી નાગરત્ના કોણ છે
ભારતની ન્યાય વ્યવસ્થામાં મહિલાઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીવી નાગરત્ના સહિત અન્ય આઠ જજની નિમણૂકને મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિના આ નિર્ણય પછી, જસ્ટિસ નાગરત્ના 2027 માં સુપ્રીમ કોર્ટમાં ભારતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બની શકે છે. મહિલા ન્યાયમૂર્તિઓમાં હિમા કોહલી (ચીફ જસ્ટિસ, તેલંગાણા હાઇકોર્ટ) અને જસ્ટિસ બેલા ત્રિવેદી (ગુજરાત હાઇકોર્ટના જજ) પણ સામેલ છે. નાગરથના હાલ કર્ણાટક હાઈકોર્ટના જજ છે. નાગરથના સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઇએસ વેંકટરમૈયાની પુત્રી છે. વેંકટરામૈયા 19 જૂન 1989 થી 17 ડિસેમ્બર 1989 સુધી દેશના મુખ્ય ન્યાયાધીશ હતા.
જસ્ટિસ બીવી નાગરત્નાએ બાર કાઉન્સિલમાં નોંધણી બાદ 1987 માં કર્ણાટકમાં બંધારણીય અને વાણિજ્યિક કાયદાઓની વકીલાત શરૂ કરી હતી. 2008 માં તેમને કર્ણાટક હાઇકોર્ટમાં વધારાના જજ બનાવવામાં આવ્યા હતા. પછી 17 ફેબ્રુઆરી 2010 ના રોજ જસ્ટિસ નાગરથનાને કાયમી ધોરણે હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
હાલમાં સુપ્રીમ કોર્ટમાં માત્ર એક મહિલા જજ છે.
હાલમાં, સુપ્રીમ કોર્ટમાં એકમાત્ર મહિલા જજ જસ્ટિસ ઇન્દિરા બેનર્જી છે, જે 2022 માં નિવૃત્ત થઈ રહ્યા છે. અત્યાર સુધી ટોચની અદાલતમાં માત્ર આઠ મહિલા જજ રહી છે. ભારતમાં લાંબા સમયથી મહિલા ચીફ જસ્ટિસની માંગણી કરવામાં આવી રહી છે. એપ્રિલમાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેએ કહ્યું હતું કે ભારત માટે મહિલા મુખ્ય ન્યાયાધીશ હોવાનો સમય આવી ગયો છે.