અચાનક જ કોંગ્રેસના નેતાઓ, એના જેવી જ વિચારધારા ધરાવતી પાર્ટીઓના નેતાઓ, ભાજપના અંધવિરોધી પૂર્વ પત્રકારો-બુદ્ઘિજીવીઓ-ઉદારવાદીઓએ કાશ્મીરી પંડિતોની કાશ્મીર ઘાટીમાંથી હકાલપટ્ટી માટે એક નવો વિલન શોધી કાઢ્યો, એવો વિલન જે ક્યારેક ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, ત્યાં સુધી કે વી.પી. સિંહ સરકારના ગૃહમંત્રી મુફ્તી મોહંમદ સઈદનો પણ ખાસમખાસ હતો. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ રીલિઝ થવાના થોડા જ દિવસોમાં સોશિયલ મીડિયા પર તોફાન પેદા થઈ ગયું તો નિશાના પર કોંગ્રેસ પણ આવી ગઈ અને તેનાં ઘણાં કારણો હતાં.
આઝાદી બાદથી જ પ્રથમ ગ્રાસે મિક્ષકા જેવી નેહરુ સરકારની કાશ્મીર નીતિ, કલમ ૩૭૦, મકબૂલ બટને મોતની સજા આપનારા જજના હત્યારા યાસીન મલિકને એટલું બધું મહત્ત્વ આપવું કે વડાપ્રધાન મનમોહન સિંહ તેને મળવા બોલાવે, એવામાં ભાજપ વિરોધીઓએ કાશ્મીરના એ સમયના ગવર્નર જગમોહન મલ્હોત્રા પર ત્યારે ઠીકરું ફોડ્યું, જ્યારે તેઓ જીવિત નથી.
આખરે કાશ્મીરની સચ્ચાઈ શું છે? શું ખરેખર પંડિતોની હિજરત માટે જગમોહન જવાબદાર હતા? જો એમ હોત તો કાશ્મીરી પંડિતોનાં સંગઠન તેમને પોતાના રક્ષક કેમ માને છે? કેમ અમિત શાહ કલમ ૩૭૦ હટાવ્યા બાદ ખાસ તેમને મળવા ગયા હતા? આ બે સવાલોનો સ્થૂળ જવાબ એ છે કે જે એક પક્ષનો હીરો છે, તેને બીજો પક્ષ વિલન બનાવી દે છે. સિવિલ સેવાના અધિકારી જગમોહન મલ્હોત્રા કાશ્મીર પહેલાં દિલ્હીની પણ કાયાપલટ કરી ચૂક્યા હતા. જે લોકો કાશ્મીરી પંડિતોને લઈને એવા સવાલ પૂછી રહ્યા છે કે કાશ્મીરી પંડિતોએ જગમોહન ગવર્નર રહેતાં ઘાટી કેમ છોડી? તેમને એ ખબર હોવી જોઇએ અથવા તો ખબર હોવા છતાં પણ તેઓ જાણીજોઈને જણાવતા નથી કે કાશ્મીરી પંડિત ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ને ‘પલાયન દિવસ’ તરીકે મનાવે છે, અને જગમોહને પોતાના બીજા કાર્યકાળમાં કાશ્મીરના ગવર્નર તરીકે ચાર્જ લીધો હતો, એ તારીખ પણ એ જ હતી – ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ની રાત, તે પણ ઘાટીમાં નહીં, પરંતુ જમ્મુમાં, કારણ કે શિયાળાની રાજધાની ત્યારે જમ્મુ હતું. એ રાત્રે તેઓ ત્યાં પહોંચ્યા જ હતા અને લગભગ તમામ મોટા સિવિલ અને સૈન્ય અધિકારીઓ તેમના સ્વાગત માટે જમ્મુમાં હાજર હતા અને એ જ રાત્રે આ ખેલ થઈ ગયો. આપણે સમજવું પડશે કે જગમોહન પહેલી વખત આ કાર્યકાળમાં એક કમજોર વડાપ્રધાન અને ગઠબંધન સરકાર સાથે કામ કરી રહ્યા હતા. તેના પહેલાં તેઓ નેહરુ, ઇન્દિરા અને રાજીવ ગાંધી સાથે કામ કરી ચૂક્યા હતા અને મોટા મોટા પ્રોજેક્ટ્સ પાર પાડી ચૂક્યા હતા. તેમના પહોંચ્યા પહેલાં જ કાશ્મીરની હાલત ઘણી ખરાબ થઈ ચૂકી હતી. ૪ જાન્યુઆરીએ જ આતંકી સંગઠનોએ હિંદુઓને ઘાટી છોડી દેવાનું ફરમાન અખબારોમાં છપાવડાવ્યું હતું.
જે જગમોહનને આજે આતંકવાદીઓ સામે કમજોર સાબિત કરવામાં આવી રહ્યા છે, એ જ જગમોહનને ક્યારેક ગવર્નર બનાવીને ઇન્દિરા ગાંધીએ એપ્રિલ ૧૯૮૪માં કાશ્મીર મોકલ્યા હતા અને ખાલિસ્તાની આતંકીઓ સાથે સંબંધો રાખવા જેવી હરકતોને કારણે તેમની પાર્ટીને તોડાવીને તેમના જ બનેવી ગુલામ મોહંમદ શાહની સરકાર બનાવી દીધી હતી. તમે જગમોહનની હિંમતનો એ વાતે બખૂબી અંદાજ લગાવી શકો છો કે જ્યારે ગુલામ મોહંમદ શાહે સાઉથ કાશ્મીરમાં હિંદુઓ વિરુદ્ઘ તોફાનો ભડકાવ્યાં, એક પ્રાચીન મંદિરની અંદર મસ્જિદ બનાવી દીધી તો તેમની સરકારને ૨ વર્ષ પણ પૂરાં ન કરવા દીધાં અને રાજીવ ગાંધીના કહેવાથી ૬ માર્ચ ૧૯૮૬એ તેમની સરકાર પણ ગબડાવી દીધી. પરંતુ એ દરમ્યાન કેન્દ્ર સરકારનો પૂરતો સહયોગ જગમોહન સાથે હતો,
વી.પી.સિંહની કમજોર સરકાર જેવું નહીં કે કાશ્મીરમાં શું થઈ રહ્યું છે! એમ પણ જગમોહનને ફરીથી ગવર્નર બનાવીને કાશ્મીર બોલાવવા પાછળ મુફ્તીનો સ્વાર્થ હતો. હવે વિચારો કે ફારુખ અબ્દુલ્લાને ગુસ્સો નહીં આવ્યો હોય? શું એ જ ગુસ્સો ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ના રોજ આતંકીઓને ખુલ્લી છૂટ રૂપે જોવા મળ્યો? કારણ કે કાશ્મીર ફાઇલ્સમાં તમે જોશો કે કઈ રીતે આ પલાયનનો એક સૌથી મોટો વિલન બિટ્ટા કરાટે ઉર્ફે ફારુખ અહમદ ડાર ફારુખ અબ્દુલ્લાના ઘરે આવતો-જતો હતો.
મુફ્તી અને ફારુખ બંનેને સારી રીતે ખબર હતી કે ગવર્નરના સ્વાગત માટે તમામ મોટા અધિકારીઓ, ત્યાં સુધી કે સેનાના પણ એ રાત્રે જમ્મુ આવશે અને એ જ રાત્રે જે આફત કાશ્મીરી પંડિતો પર વરસી, તે તમે ‘કાશ્મીર ફાઇલ્સ’માં જોઈ શકશો. એ રાત્રે બીજું પણ કંઈક થયું હતું, જેને કારણે આતંકીઓને શ્રીનગરમાં કેટલાય સમર્થકો મળી ગયા. અચાનક જ છોટા બજારમાં રાત્રે એક સર્ચ ઓપરેશન કેન્દ્રીય સુરક્ષા દળોએ ચલાવ્યુ,ં જેના વિશે જગમોહનને તો ખબર પણ ન હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર આ યોજનાબદ્ઘ હતું. ઠંડીમાં ચાલેલા આ સર્ચ ઓપરેશનથી પરેશાન સામાન્ય કાશ્મીરી મુસ્લિમોને લોકોને ભડકાવવા-ઉશ્કેરવા આતંકીઓ માટે આસાન થઈ ગયું અને કેટલાય એ તોફાનોમાં સામેલ થઈ ગયા.
આજે જો કાશ્મીરમાં આવું કંઈક થાય તો જવાબદારી શું ત્યાંના ગવર્નર મનોજ સિંહા એકલાની ગણાય? શું ભાજપ વિરોધીઓ અમિત શાહ પર ચડાઈ નહીં કરે? શું મોદીનું રાજીનામું નહીં માંગે? પરંતુ આજ સુધી મુફ્તી મોહંમદ સઈદ તો દૂર, વી.પી. સિંહ પાસે પણ કોઈએ માફી માંગવાનું તો દૂર, તેમને દોષીત સુદ્ઘાં નથી ઠેરવ્યા, કારણ કે તેઓ આ બધા માટે મંડલ મસીહા હતા! હા, તેઓ બહારથી ટેકો આપનારી ભાજપને જવાબદાર માને છે, જ્યારે સૌથી પહેલો કાર્યકર્તા જે મર્યો તે સતીષ ટિક્કુ, આરએસએસનો હતો. પહેલા નેતા જે મર્યા, તે પણ ભાજપના હતા!
જે જગમોહનને આજે કોંગ્રેસીઓ, ડાબેરીઓ કે બુદ્ઘિજીવીઓ કમજોર ચીતરવાની કોશિશ કરી રહ્યા છે, તેમણે જ સૌથી પહેલાં કાશ્મીરમાં દેશવિરોધી ગતિવિધિઓમાં ભાગ લેવા માટે સરકારી કર્મચારીઓને નોકરીમાંથી જ કાઢી મૂકવાની શરૂઆત કરી હતી, તેના પહેલાં કોઈનામાં હિંમત જ ન હતી. અબ્દુલ ગની બટ સહિત ૩ પ્રોફેસરોને સસ્પેન્ડ કરી દીધા હતા, કારણ કે તેઓ ભારત વિરોધી અભિયાન ચલાવી રહ્યા હતા. કાશ્મીરીઓને પહેલી વખત સ્વચ્છ પાણી પીવા મળ્યું તો જગમોહનને કારણે, તેમણે આખા જમ્મુ-કાશ્મીરની સાંકડી ગલીઓને પહોળા રસ્તામાં ફેરવી, નવું એરપોર્ટ બનાવ્યું અને કાશ્મીરની ડ્રેનેજ સિસ્ટમને આધુનિક બનાવી. નેતાઓને ભલે તેઓ પસંદ ન હોય, પરંતુ સામાન્ય કાશ્મીરીના તેઓ વ્હાલા થઈ ગયા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે આ સમગ્ર પ્રકરણ માટે રાજીવ ગાંધી પણ ઓછા જવાબદાર ન હતા. રાજીવ ગાંધીએ ફરીથી ફારુખ અબ્દુલ્લા સાથે દોસ્તી કરી લીધી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ફરી જોડાણ કર્યું અને રાજ્યમાં સંયુક્ત સરકાર બનાવી લીધી. જગમોહન વડાપ્રધાન રાજીવ ગાંધી સ્પષ્ટ લખતા હતા કે કલમ ૩૭૦ કાશ્મીર અને કાશ્મીરીઓના વિકાસમાં એકમાત્ર અડચણ છે. શેખ અબ્દુલ્લાની બેધારી રાજનીતિ વિશે પણ તેમણે કહ્યું હતું કે શેખઅબ્દુલ્લા દિલ્હીમાં નેશનલિસ્ટ છે, જમ્મુમાં કમ્યુનિસ્ટ અને કાશ્મીરમાં કમ્યુનલિસ્ટ બની જાય છે! જગમોહને સ્પષ્ટ લખ્યું છે કે કેવી રીતે નેશનલ કોન્ફરન્સ પોતાના સાંપ્રદાયિક ઝુકાવને કારણે આતંકવાદીઓ અને અલગતાવાદીઓને ઉત્તેજન આપી રહી હતી, પછી દેશે જોયું કે કેવી રીતે રાજીવ ગાંધી સાથે હાથ મિલાવીને નેશનલ કોન્ફરન્સે ૧૯૮૭ની ચૂંટણીઓમાં ભારે છેતરપિંડી આચરીને બંનેની સંયુક્ત સરકાર બનાવી લીધી અને કેન્દ્રએ એ છેતરપિંડીની ફરિયાદો પર કોઈ ધ્યાન ન આપ્યું.
બાદમાં કાશ્મીરની બગડતી હાલત પર જગમોહને રાજીવ ગાંધીને બે પત્ર લખ્યા, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. અફઘાનિસ્તાનના નજીબુદ્દૌલાએ કેટલીય વાર ભારત સરકારને સંદેશ આપ્યો કે કાશ્મીરના યુવકોની અફઘાનિસ્તાનના ટ્રેનિંગ કેમ્પોમાં પાકિસ્તાન ટ્રેનિંગ કરાવે છે, પરંતુ બેનઝીર ભુટ્ટો પર રાજીવ ગાંધીને એટલો ભરોસો હતો કે તેમણે એના પર ધ્યાન ન આપ્યું અને બાદમાં આ જ યુવકો ૧૯૯૦માં કાશ્મીરમાં આતંકના મોટા ચહેરા બની ગયા. કોઈને કદાચ ખબર ન હોય કે ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ના રોજ ગવર્નર બનતાં પહેલાં ૧૧ જુલાઈ ૧૯૮૯ના રોજ તેઓ એ પદેથી પરત દિલ્હી ફર્યા હતા, પૂરાં પાંચ વર્ષ કાશ્મીરને સંભાળીને. આ પાંચ વર્ષોમાં તેમણે બે સરકારો પણ ગબડાવી અને આતંકીઓ પર કાબૂ પણ રાખ્યો, પરંતુ જુલાઈથી જાન્યુઆરી વચ્ચે કેન્દ્રમાં કમજોર સરકાર અને કાશ્મીરમાં ફારુખ અબ્દુલ્લા સરકાર બેકાબુ થવાથી હાલત પણ બેકાબૂ થઈ ગઈ.
જગમોહનને કેન્દ્રથી પણ સહયોગ ન મળ્યો અને ના મીડિયાએ અહીંના સમાચારો દિલ્હી સુધી પહોંચાડ્યા. સ્થાનિક રિપોર્ટરો કેવા ખોફમાં હતા, તે તમે મૂવી જોઈને કે એ સમયનાં પુસ્તકો વાંચીને અંદાજો લગાવી શકો છો. કાશ્મીર પર બનેલી ડાબેરી સંગઠન પીયુસીએલની કમિટીએ પોતાની જ સેના અને પ્રશાસન પર કાશ્મીરીઓ પર અત્યાચારના આરોપ લગાવી દીધા અને ત્યાં સુધી કહી દીધું કે જગમોહને કાશ્મીરીઓનું પલાયન કરાવ્યું છે, તેમને સરકારી ટ્રકો ઉપલબ્ધ કરાવી. પરંતુ કમિટીને જ્યારે એ ટ્રકોના નંબર કે કોઈ પુરાવા આપવા જણાવ્યું તો કમિટીને સદસ્યોએ ક્યારેય કોઈ પુરાવો ન આપ્યો કે ના આરોપ લગાવનારાઓનાં નામ આપ્યાં! એ કમિટીની ભારે ટીકાઓ પણ થઈ, કારણ કે તેમણે જેટલી વાર્તાઓ ઘડી કાઢી હતી, તેમાં એક પણ પીડિત કાશ્મીર પંડિત સાથે વાતચીત નહોતી કરી.
કોંગ્રેસ અને બુદ્ઘિજીવીઓ અત્યારે એવો બચાવ કરી રહ્યા છે કે કોંગ્રેસ તો ત્યારે સત્તામાં જ ન હતી, ત્યારે સત્તામાં વી.પી. સિંહની જનતા સરકાર હતી અને તે પણ ભાજપના ટેકાથી! વી.પી. સિંહની સરકારને બની ૨ ડિસેમ્બર, ૧૯૮૯ના રોજ અને પંડિતોના નરસંહાર બાદ હિજરત થઈ ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ના રોજ! માત્ર દોઢ મહિનાની વી.પી. સિંહ સરકારને જવાબદાર ગણાવી દેવી માત્ર ને માત્ર ખંધાઈ છે. બાકી, કાશ્મીરમાં હિંદુઓની સતામણી-પજવણીનો ખેલ તો વર્ષો પહેલાંથી ચાલુ થઈ ગયો હતો.
આ કાંડના મૂળમાં એક કારણ કલમ ૩૭૦ પણ હતી. પછી કાશ્મીરમાં સત્તા માટે સરકારો ગબડાવવી, પછી જોડાણ કરીને ચૂંટણીઓમાં ગરબડો કરી જીતવું, ૧૯ જાન્યુઆરીના કાંડ માટે જવાબદાર બિટ્ટા કરાટેનું નેશનલ ટીવી પર ઇન્ટરવ્યૂમાં ખુલ્લેઆમ ૨૦ હત્યાઓ કબૂલવી, છતાં તે છૂટ્ટો ફરે, યાસીન મલિકની મકબૂલ બટને ફાંસી આપનાર જજ નીલકંઠ ગંજુની હત્યાની બીબીસીના શો હાર્ડ ટોકમાં કબૂલાત છતાં મનમોહન સિંહ તેને મળવા બોલાવે, રાજીવ ગાંધીની ભુટ્ટો સાથે દોસ્તીને કારણે નજીબુદ્દૌલાની ચેતવણીઓ અવગણે અને હાલમાં કેરળ કોંગ્રેસની પંડિતો કરતાં વધુ મુસલમાનો મર્યા હોવાની ટ્વીટ પરથી તમે કોંગ્રેસનો ગુનો સમજી શકો છો. એટલે જ કોંગ્રેસ ફરીથી અત્યારે મોટી ભૂલ એ કરી રહી છે કે જગમોહનને વિલન ચીતરીને તે કટ્ટર વર્ગને તો ખુશ કરી લેશે, પરંતુ સામાન્ય હિંદુ, ખાસ કરીને કાશ્મીરી પંડિતોના દિલમાં ફરી એકવાર પોતાની છબિ ખરાબ કરી લેશે.