દેશભરમાં ડુંગળી અને ટામેટાના ભાવોમાં ઉંચો વધારો નોધાયો છે. ડુંગળીના અને ટામેટાના ઊંચા ગયેલા ભાવોના કારણે સસ્તી હોટેલોના માલિકોએ મફતમાં ગ્રાહકોને અપાતી ડુંગળી ઉપર અંકુશ લગાવી દીધો છે. માંડ માંડ ઘટેલા ડીઝલના ભાવો પણ ફરીથી માથું ઉચકીને ચાલવા લાગ્યા છે અને રૂપિયા 71 ઉપર પહોચી ગયા છે, આમ આ ત્રણેય ચીજો ડોલરના ભારતીય રૂપિયાના ભાવ નજીક પહોચી ગઈ છે.
ડુંગળીના ભાવ નીચે જાય તેવી કોઈ શક્યતા નથી
ખાસ કરીને ડુંગળીના ભાવમાં હજુ એક મહિના સુધી ઘટાડાની કોઈ શક્યતા દેખાતી નથી, કારણ કે નવી ડુંગળી હવે દિવાળી બાદ એટલે કે લાભ પાંચમ પછી જ બજારમાં આવે તેમ હોવાથી તેના ભાવો ત્યાર બાદ જ ઘટી શકે તેમ હોવાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે. કારણ કે શરૂઆતમાં વરસાદ ખેંચાવાના કારણે પ્રથમ તબક્કાની વાવણી નિષ્ફળ ગઈ હતી.
આ કારણે ભાવો પર પડી અસર
ઉપરાંત ગયા વર્ષે મહારાષ્ટ્રમાં દુષ્કાળના કારણે માત્ર 25 ટકા જેટલો જ માલ બજારમાં આવ્યો હતો. ઉપરાંત વચ્ચે જુન જુલાઈ મહિનામાં હીટ વેવ આવવાના કારણે તે 25 ટકા પૈકીનો 15 ટકા જેટલો માલ સડી જવા પામ્યો હતો. જેના કારણે તેની સીધી અસર ભાવો ઉપર પાડવા પામી છે. સરકાર દ્વારા આ દિશામાં અસરકારક પગલાઓ ભરવામાં આવી રહ્યા છે તેમ છતાં હાલને તબક્કે તેના ભાવો ઉપર નિયંત્રણ આવવાની કોઈ શક્યતા બજારના વર્તુળોને દેખાતી નથી.
વરસાદે પણ ભાવમાં કર્યો તોતિંગ વધારો
ઉપરાંત છેક સુધી વરસાદ ચાલુ રહેવાના કારણે અને ખેતરોમાં પણ પાણી ભરાયેલા હોવાના કારણે ટામેટાની અછત ઉભી થવા પામી છે, હાલને તબક્કે મહારાષ્ટ્ર અને કર્ણાટકના ટામેટા અમદાવાદીઓને મળી રહ્યા છે તેના કારણે તેના ભાવો રૂ. 70ની નજીક પહોચી ગયા છે. જો કે ટૂંક સમયમાં સ્થાનિક કડી- કલોલ વિસ્તારના ટામેટા બજારમાં આવી જશે અને તેના ભાવો અંકુશમાં આવી જશે તેમ બજારના સુત્રો જણાવી રહ્યા છે.